Gujarat

કચ્છના 4 ટોલનાકા સોમવાર સુધી ટોલ ફ્રી જાહેર, 'નો રોડ-નો ટોલ' આંદોલનની અસર, પેચવર્કનું કામ શરૂ

By GS TEAM
13 Sep 20252 mins read
TukuTouch Logo
કચ્છના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ખખડધજ હાલતથી કંટાળેલા ટ્રાન્સપોર્ટ ઍસોસિએશન દ્વારા સામખિયાળી ટોલ નાકે શરુ કરવામાં આવેલા ‘નો રોડ, નો ટોલ’ ચક્કાજામ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. નેશનલ હાઇવે ઑથોરિટી દ્વારા તમામ ખખડધજ રોડ પર પડેલા ગાબડાં પુરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સોમવાર મધરાત સુધી એટલે કે 15 સપ્ટેમ્બર રાત્રિના 12 વાગ્યા સુધી સૂરજબારી, સામખિયાળી, મોખા અને માખેલ નાકા ટોલ ફ્રી કરવાની પણ જાહેરાત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છના 4 ટોલનાકા સોમવાર સુધી ટોલ ફ્રી જાહેર, 'નો રોડ-નો ટોલ' આંદોલનની અસર, પેચવર્કનું કામ શરૂ

Kutch Toll Plaza News: કચ્છના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ખખડધજ હાલતથી કંટાળેલા ટ્રાન્સપોર્ટ ઍસોસિએશન દ્વારા સામખિયાળી ટોલ નાકે શરુ કરવામાં આવેલા ‘નો રોડ, નો ટોલ’ ચક્કાજામ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. નેશનલ હાઇવે ઑથોરિટી દ્વારા તમામ ખખડધજ રોડ પર પડેલા ગાબડાં પુરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સોમવાર મધરાત સુધી એટલે કે 15 સપ્ટેમ્બર રાત્રિના 12 વાગ્યા સુધી સૂરજબારી, સામખિયાળી, મોખા અને માખેલ નાકા ટોલ ફ્રી કરવાની પણ જાહેરાત કરી હતી. 

લાંબા સમયથી ટ્રાન્સપોર્ટરો દ્વારા કરાઈ રહેલી રજૂઆતો છતાં હાઇવે ઑથોરિટી દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નહોતા. આખરે સત્યાગ્રહના પગલે મોડી રાત્રે નેશનલ હાઇવે ઑથોરિટીના રિજનલ ઑફિસર કચ્છ દોડી આવ્યા હતા અને ટ્રાન્સપોર્ટરો સાથે મીટીંગ કરી હતી. મધરાત્રે બે વાગ્યે સામખિયાળી ખાતે ટ્રાન્સપોર્ટરો સાથે યોજાયેલી બેઠકમાં ટ્રાન્સપોર્ટરો તેમની માંગણીઓ પર મક્કમ રહ્યા હતા. રિજનલ ઑફિસરે આ મુદ્દે દિલ્હીમાં ઉચ્ચ સ્તરે ચર્ચા કરી સવારે જવાબ આપવા જણાવ્યું હતું.


ત્યારે આજે સવારે ફરી નેશનલ હાઇવે ઑથોરિટીના રિજનલ ઑફિસર સુશીલ યાદવ, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર અને વિવિધ ઍસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં 15 સપ્ટેમ્બરની મધરાત્રિ સુધીમાં પેચવર્ક પૂર્ણ કરવાની અને ત્યાં સુધી વાહનોને ટોલ-ફ્રી રાખવાનો નિર્ણય લેવાયો હતો. 

ઉલ્લેખનીય છે કે આંદોલનના પગલે હજારો વાહનોના પૈડા થંભી ગયા હતા. કચ્છના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની હાલત સુધારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચિમકી આપવામાં આવી હતી. જિલ્લાના 7 ટોલનાકા ઉપર દૈનિક ચાર કરોડનું ટોલનાકું વસુલવામાં આવતું હોવા છતાં ધારીમાર્ગોની ખરાબ હાલત છે.


હાઇવેના રસ્તા ખખડધજ હાલતમાં છે. અનેક રજૂઆતો છતાં માર્ગ મરમત માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી નારાજ થઈ આ આંદોલનની શરુઆત કરવામાં આવી હતી. કચ્છના ટ્રાન્સપોર્ટ જગત દ્વારા કચ્છમાં રાષ્ટ્રીય ધોરીમાગીની ખસ્તા હાલત સામે લડતના મંડાણ કરાયા હતા. 


ખેડોઈમાં ટ્રક ચાલકોને ગુલાબ આપી છાશ પીવડાવાઈ

અંજાર તાલુકાનાં ખેડોઈ ગામના લોકોએ જણાવ્યું હતું કે ગાંધીધામ-મુન્દ્રા નેશનલ હાઇવે પર ઠેર ઠેર ડ્રગ્સના હાટડાઓ ધમધમી રહ્યા હોવાથી વાહન ચાલકો નશો કરી પોતાના વાહનો ચલાવતા હોવાથી અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. આ ઉપરાંત રોડ પર ઠેર ઠેર ખાડાઓ હોવાથી નાના-મોટા અકસ્માતો રોજ બની રહ્યા છે. જેથી ગ્રામજનોએ માર્ગ પરથી પસાર થતાં વાહનોને અટકાવી ચાલકોને ગુલાબનું ફૂલ આપી, ઠંડી છાશ પીવડાવી નશો કરી વાહન ન ચલાવવા અપીલ કરી હતી.