Get The App

ભુજ કોર્ટનો માનવીય અભિગમ: માનસિક બીમાર પાકિસ્તાની નાગરિકને ટ્રાયલ વિના વતન પરત મોકલવા આદેશ

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
ભુજ કોર્ટનો માનવીય અભિગમ: માનસિક બીમાર પાકિસ્તાની નાગરિકને ટ્રાયલ વિના વતન પરત મોકલવા આદેશ 1 - image


Kutch News : કચ્છના રણ વિસ્તારમાં એક પાકિસ્તાની યુવકે આશરે દોઢ વર્ષ પહેલા ઘૂસણખોરી કરી હતી. તે સમયે બોર્ડર સિક્યોરિટી ફોર્સ(BSF)ના જવાનોએ ઘૂસણખોર યુવક ઝડપી પાડ્યો હતો. આ પછી સુરક્ષા એજન્સી દ્વારા યુવકની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. કાઈ શંકાસ્પદ ન જણાતા યુવકને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. જોકે, યુવક માનસિક અસ્થિર હોવાના કારણે અંતે કોર્ટે તેને પાકિસ્તાન પરત મોકલવાનો હુકમ કર્યો છે.

માનસિક બીમાર પાકિસ્તાની નાગરિકને ટ્રાયલ વિના વતન પરત મોકલવા આદેશ

મળતી માહિતી મુજબ, કચ્છના નરા રણ સરહદે બલવીર સીમા ચોકી પાસે ગત 16 જૂન, 2024ના રોજ પાકિસ્તાની યુવકે ઘૂસણખોરી કરી હતી. આ દરમિયાન BSFના જવાનો જોઈ જતાં યુવકને ઝડપી પાડ્યો હતો. પાકિસ્તાની યુવકની પૂછપરછ કરતાં તેને પોતાનું નામ અફઝલ મોહમ્મદ(ઉં.વ.38) અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટ જિલ્લાના ગામનો વતની હોવાનું જણાવ્યું હતું. સિયાલકોટ વિસ્તાર જમ્મુ-કાશ્મિર સરહદ પાસેનો વિસ્તાર હોવાથી સુરક્ષા એજન્સી ચોંકી ઉઠી હતી. 

આ પછી ત્રણ મહિના સુધી ભુજના જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર(JIC) ખાતે સુરક્ષા એજન્સી દ્વારા અફઝલની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તે માનસિક અસ્થિર હોવાનું જણાયું હતું. બાદમાં 29 સપ્ટેમ્બર, 2024ના રોજ નરા પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટ સહિતની કલમ હેઠળ અફઝલ વિરૂદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. 

આ પણ વાંચો: ઉત્તરાયણના પર્વે ઘાયલ પક્ષી કે પ્રાણીઓને બચાવવા 1962 હેલ્પલાઇન પર કરો કોલ, કરુણા અભિયાન શરૂ

સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા અફઝલને માનસિક આરોગ્ય હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જેમાં મનોચિકિત્સકના રિપોર્ટ મુજબ અફઝલ પોતાની સામે લાગેલાં આરોપો અંગે વર્તમાન કે ભવિષ્યમાં કોર્ટની ટ્રાયલનો સામનો કરવા અસમર્થ હોવાનું જણાયું હતું.  અંતે ભુજ સેશન્સ જજ દ્વારા અફઝલની માનસિક સ્થિતિ, કાયદાકીય જોગવાઈને ધ્યાનમાં રાખીને ઈન્સાફી કાર્યવાહીમાંથી મુક્ત કરીને તેને પાકિસ્તાન પરત મોકલવાનો હુકમ કર્યો છે.