મુંબઈના ડોમ્બિવલીમાં ઘરમાં ગેસ વિસ્ફોટ થતાં કચ્છી રહીશનું મોત

કચ્છના ભૂજપુરના કેતન દેઢિયાએ જીવ ગુમાવ્યો : ઘરમાં લાઈટની સ્વીચ ચાલુ કરતાં વિસ્ફોટઃ 30 બિલ્ડિંગના સંકુલના 250 ફલેટના કાચ તૂટયા
મુંબઇ : ડોમ્બિવલીમાં ઘરમાં ગેસ વિસ્ફોટ થતાં દાઝી ગયેલા મૂળ કચ્છના કેતન દેઢિયાનું સારવાર બાદ મોત નીપજ્યું હતું. કચ્છી જૈન ફાઉન્ડેશન દ્વારા દેસલે પાડામાં ૩૦ ઈમારતોની નવનીત નગર સોસાયટી બનાવાઈ છે. તેના ડબલ્યુ -510 ફલેટમાં ગયા સોમવારે રાતે લાઈટ ચાલુ કરવા સ્વીચ ઓન કરવાની સાથે જ ગેસ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટની અસર થી સમગ સંકુલની અનેક બિલ્ડિંગની બારીઓના કાચ તૂટયા હતા. વિસ્ફોટ બાદ ઘરમાં આગ લાગતાં 49 વર્ષીય કેતન હરીલાલ હંસરાજ દેઢિયા ગંભીર રીતે દાઝી ગયા હતા. આખરે સારવાર બાદ તેમનું મોત નીપજ્યુ હતું. કચ્છી વીસા ઓસવાલ સમાજના કેતન દેઢિયા મૂળ ભૂજપુર ગામના વતની હતા.
તેમને તાત્કાલિક ઘરમાંથી બહાર કાઢનાર પડોશીએ જણાવ્યું હતું કે, દુર્ઘટના પહેલા ગેસની દુર્ગંધ આવી રહી હતી. બધે તપાસ કરી પરંતુ એકલા રહેતા કેતનભાઈનું ં ઘર બંધ હોવાથી ત્યાં પૂછી શકાયું ન હતું. બનાવ બન્યા બાદ તેમને પહેલા પાસેની હોસ્પિટલમાં મેં જ દાખલ કર્યા હતા. તેઓ 80 ટકા જેટલા દાઝી ગયા હતા. પરંતુ, તબિયત વધારે ખરાબ હોવાથી તાત્કાલિક સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવમાં અઢીસો ફલેટના કાચ તૂટયાં હતા એટલે અંદાજે લગાવી શકાય છે કે વિસ્ફોટ કેટલો પ્રચંડ હશે. હું બાજુના જ ઘરમાં રહેતો હોવાથી મારા ઘરની દિવાલ તૂટવાની સાથે ઘરમાં ભારે નુકસાન થયું હતું.








