Gujarat

કચ્છમાં નેતા પુત્રોનું પાપ, ખેડૂતો માટેના યુરિયા-DAP ખાતરનું ફેક્ટરીમાં બારોબાર વેચાણ

By GS TEAM
12 Sep 20255 mins read
TukuTouch Logo
કચ્છને જાગીર સમજીને ચાલતાં નેતાઓ હવે ખેડૂતોની સહકારી મંડળીઓમાંથી સરકારી યુરિયા મેળવી ફેક્ટરીઓમાં ચાર-પાંચ ગણા ઊંચા ભાવે વેચાણ કરવાનું નેટવર્ક ચલાવતા હોવાની ચર્ચા છે. ખેતીની સિઝન છે ત્યારે પૂરતા પ્રમાણમાં યુરિયા અને ડીપીએ નહીં હોવાની બૂમ વચ્ચે ખેડૂતોને સરકાર દ્વારા સબસિડીથી અપાતાં ખાતરના કાળા કારોબારની બૂમ ઉઠી છે. નિશ્ચિત સરકારી સ્ટોર ઉપર ખેડૂતોના આઈ.ડી. રજૂ કરી સબસિડીવાળું યુરિયા અને ડીપીએ મેળવીને પ્લાયવૂડ અને અન્ય ફેક્ટરીઓને ચારથી પાંચ ગણા ભાવે વેચી દઈ કરોડોની કમાણી થઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છમાં નેતા પુત્રોનું પાપ, ખેડૂતો માટેના યુરિયા-DAP ખાતરનું ફેક્ટરીમાં બારોબાર વેચાણ
AI Image

Fertilizer  Scam : કચ્છને જાગીર સમજીને ચાલતાં નેતાઓ હવે ખેડૂતોની સહકારી મંડળીઓમાંથી સરકારી યુરિયા મેળવી ફેક્ટરીઓમાં ચાર-પાંચ ગણા ઊંચા ભાવે વેચાણ કરવાનું નેટવર્ક ચલાવતા હોવાની ચર્ચા છે. ખેતીની સિઝન છે ત્યારે પૂરતા પ્રમાણમાં યુરિયા અને ડીપીએ નહીં હોવાની બૂમ વચ્ચે ખેડૂતોને સરકાર દ્વારા સબસિડીથી અપાતાં ખાતરના કાળા કારોબારની બૂમ ઉઠી છે. નિશ્ચિત સરકારી સ્ટોર ઉપર ખેડૂતોના આઈ.ડી. રજૂ કરી સબસિડીવાળું યુરિયા અને ડીપીએ મેળવીને પ્લાયવૂડ અને અન્ય ફેક્ટરીઓને ચારથી પાંચ ગણા ભાવે વેચી દઈ કરોડોની કમાણી થઈ રહી છે. 

કચ્છમાંથી ખાતર અને મિનરલ્સના ગેરકાયદે વેચાણના કરોડોના કારોબારમાં ખેડૂતો, પ્રજા અને કુદરતી સંપત્તિ લૂંટીને અમુક નેતાઓ માલામાલ થયાં છે. આ સમગ્ર કૌભાંડ કચ્છના નેતાઓના પુત્રોનું પાપ હોવાની અને ભાજપના પ્રદેશ મહામંત્રીના આશિર્વાદ હોવાની ચર્ચા છે. નેતાઓના પુત્રોનો કાળો ચિઠ્ઠો ખૂલે તો દિલ્હી સુધીની વાત સંભાળી લેવાના નામે ભાજપના રાજ્યના એક મહા-મંત્રી કાળા કારોબારમાં ભાગીદારી રાખી રહ્યાની પણ લોકચર્ચા છે.

સબસિડીવાળું યુરિયા પ્લાયવૂડ ફેક્ટરીઓને ચાર-પાંચ ગણા ભાવે વેચી કરોડોની કમાણીનું ષડયંત્ર

ભાજપના નેતાઓના પુત્રોએ કાળા કારોબારથી કચ્છને બાનમાં લીઘું છે. ખેડૂતો માટેનું યુરિયા ખેડૂતોની સહકારી મંડળીઓમાંથી એલોટ કરાવીને બે નંબરમાં પ્લાયવૂડ કંપનીઓને વેચી દેવાનો ગોરખધંધો પૂરબહાર અને બેરોકટોક ચાલી રહ્યો છે. સહકારી મંડળીઓમાંથી યુરિયાની આયોજનપૂર્વકની અને પોતે ફસાય નહીં તે રીતે ખેડૂતોને ભોળવીને ઉચાપત કરીને ફેક્ટરીઓમાં વેચી દઈ નફાખોરીનો ખેલ મંડાયો છે. ખેડૂતોને બજારભાવની સરખામણીએ 20 ટકા ભાવ એટલે કે સબસિડીથી યુરિયા અને ડીએપી ખાતર સરકાર દ્વારા આપવામાં આવે છે. 

ખેડૂતોને મળે છે સબસિડીવાળું ખાતર 

કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત કિસાન સમૃઘ્ધિ કેન્દ્રો નામથી ઓળખાતાં સ્ટોર્સ ઉપરથી ખેડૂતોને સબસિડીવાળું ખાતર વેચવામાં આવે છે. આ માટે ખેડૂતોના આઈ.ડી. રજૂ કરવામાં આવે ત્યારે યુરિયા કે  ડી.એ.પી. અપાય છે. વાસ્તવિકતા એ છે કે, કચ્છમાં પિયત ઓછી હોવાથી યુરિયાના વપરાશનું પ્રમાણ ઓછું છે છતાં 56,000 ટન યુરિયાનું એલોટમેન્ટ કૌભાંડના ભાગરૂપે મેળવી લેવાય છે. ખેતીની સિઝન સમયે જાગૃત ખેડૂતોમાં એવી પણ ચર્ચા છે કે, સાત રૂપિયાના ભાવે સબસિડીથી અપાતું યુરિયા ખેડૂતોની આઈડી રજૂ કરીને બારોબાર મેળવી લેવામાં આવે છે. 

ચારથી પાંચ ગણા ભાવે ફેક્ટરીઓને વેચાણ 

યુરિયાના આ જથ્થાને પ્લાયવૂડ, રાળ, ગુંદર, ક્રોકરી, મોલ્ડિંગ પાઉડર કે ઈન્ડસ્ટ્રીયલ માઈનિંગ એક્સપ્લોઝિવ બનાવતી ફેક્ટરીઓને ચારથી પાંચ ગણા ભાવે વેચી દેવામાં આવે છે. સસ્તા ભાવનું સરકારી યુરિયા ખેડૂતોના નામે મેળવવા  માટે અમુક સરકારી અધિકારીઓ સાથે પણ સાંઠગાંઠ છે. ખાતરની ગેરકાયદે હેરાફેરી ન પકડાય તે માટે પોલીસ તંત્રમાં પ્રતિકિલો દીઠ દોઢથી બે રૂપિયા તેમજ વચેટિયાને પણ બેથી ત્રણ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવે છે. ખેડૂતોના હિસ્સાનું ખાતર મેળવવાથી માંડી ફેક્ટરીઓમાં ગેરકાયદેસર રીતે પહોંચાડવા સુધીનું નેટવર્ક ગોઠવાયેલું છે.

જાગૃત ખેડૂત વર્ગમાં ત્યાં સુધી ચર્ચા છે કે, ખેડૂતોની મંડળીઓ સાથે જ સીધી ગોઠવણ કરીને યુરિયા, ડીએપી ખાતરની ટ્રકો સીધી જ ફેક્ટરીઓમાં પહોંચતી થઈ જાય ત્યાં સુધીનું મજબૂત નેટવર્ક ચાલી રહ્યું છે. આ આયોજનબઘ્ધ કૌભાંડને સરકાર કે સરકારી તંત્ર તોડતાં નથી તે પાછળ રાજકીય નેતાઓનું મેળાપીપણું કારણભૂત છે. ચર્ચા છે કે, ભાજપના  નેતાઓના પુત્રો તેમના વિશ્વાસુ માણસો દ્વારા આ આખો કાળો કારોબાર ચલાવે છે. આ નેતા પુત્રોની વગ એવી છે કે, કચ્છ કે ગુજરાત સરકારના તંત્રમાં કાર્યવાહીની હિમ્મત નથી. કદાચિત ને, દિલ્હી સુધી ફરિયાદ જાય ને કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી થાય તો? 

કોના આશીર્વાદ હેઠળ ચાલે છે આવા કૃત્ય? 

આ સ્થિતિ ન સર્જાય તે માટે ભાજપના એક પ્રદેશ મહામંત્રીની ભાગીદારી અને  આશિર્વાદ હોવાની પણ ચર્ચા છે. કૌભાંડ ખુલ્લું થાય તો ઉપર દિલ્હી સુધી કાળો ચિઠ્ઠો ન પહોંચે તે રીતે સાચવી લેવાની જવાબદારી સાથે આ મહામંત્રીની ગેરકાયદે મિનરલ્સ ખનન, વેચાણ ઉપરાંત ખેડૂતો માટેના સરકારી યુરિયાના વેચાણમાં ભાગીદારી હોવાની લોકચર્ચા હવે વ્યાપક બની છે. આ કૌભાંડ થકી મહામંત્રી અબજો રૂપિયાના માલિક થઈ ગયાં હોવાનું ચર્ચાય છે. જાણકારો ચર્ચે છે કે, ખાતરની એક ટ્રકમાં 40 ટન માલ હોય છે. 

સરકારી ખાતરની એક ટ્રક કૌભાંડથી  સરકાવી લેવામાં આવે તેમાંથી 8-10 લાખનો નફો થાય છે અને આ રીતે હજારો ટ્રક યુરિયાનો માલ ખેતરોમાં મોકલવાના નામે ફેકટરીઓમાં ઠાલવી દેવાય છે.  ખેડૂતોના હિતના નામે રૂપિયા 100-150 કરોડનો ખેલ ખેલીને પૈસા ઘર ભેગાં કરી દેવાનું આયોજનબઘ્ધ નેટવર્ક કચ્છમાં ચાલી રહ્યું છે. હાલમાં તો નેતાઓના પુત્ર જ નેતા અને સરકાર હોય તેમ વહીવટ અને સરકારી તંત્રને સંભાળી લઈ પોતાની મનમાની ચલાવી કચ્છના ખેડૂતોને ભોળવી માલમાલ થઈ રહ્યાં છે. મોસાળે જમણ ને મા પિરસનાર હોય તેમ કચ્છમાં આ કૌભાંડથી નેતાઓના પુત્રોને તો બન્ને હાથમાં લાડુ હોવાની ટકોર ખેડૂતો અને સ્થાનિકો કરી રહ્યાં છે.

સાત મહિના પહેલાં યુરિયા કૌભાંડ પકડાયું તેમાં નેતાના પુત્રના બદલે મળતિયાને રજૂ કરી દેવાયો

કચ્છના ચર્ચાસ્પદ યુરિયા કૌભાંડમાં સાત મહિના પહેલાં એક અધિકારીએ યુરિયા ભરેલી ટ્રક પકડી હતી. ખેડૂતોને આપવાનું સબસિડીવાળું યુરિયા ફેક્ટરીમાં જતું હોવાનો ઘટસ્ફોટ થયો અને એક ધારાસભ્યના પુત્રનું નામ ખુલી રહ્યું હતું. આ પછી કચ્છથી દિલ્હી સુધીનું રાજકીય વર્ચસ્વ ધરાવતા નેતાએ એવી ગોઠવણ કરી હતી કે, ધારાસભ્યના પુત્રના બદલે તેના મળતિયાને રજૂ કરી દેવામાં આવ્યો હતો. કચ્છનું સરકારી તંત્ર યુરિયા કૌભાંડમાં આ કેસ કર્યા પછી રાજકીય છત્રછાયા ધરાવતા યુરિયા કૌભાંડીઓ તરફ જોવાની હિમ્મત પણ દાખવી શક્યું નથી.

આયાતી યુરિયા રાજસ્થાનના ખેડૂતો સુધી પહોંચે તે પહેલાં પેકમાંથી કાઢી લઈ ફેક્ટરીઓમાં વેચાય છે

કચ્છના પોર્ટ ઉપર યુરિયાની આયાત થાય છે અને આ જથ્થો પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ખેડૂતોને સરકારી રાહે આપવા માટે મોકલવામાં આવે છે. એવી ચર્ચા છે કે, રાજસ્થાન જતું યુરિયા પોર્ટ સંકુલમાં આવેલી પેઢીઓમાં પેક કરવામાં આવે છે. આયાતી યુરિયાના વિશાળ જથ્થામાંથી યુરિયા કાઢી લઈ રાજસ્થાનની મંડળીઓના સિક્કા મરાવીને જથ્થો પહોંચી ગયાની નોંધ કરાવી લેવામાં આવે છે. સરકારી રાહે ખેડૂતોને પહોંચી ગયેલું મનાતું યુરિયા પ્લાયવૂડ અને અન્ય ફેક્ટરીઓમાં ચારથી પાંચગણા આવે બારોબાર વેચી દેવામાં આવે છે.