કચ્છ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો હલ્લાબોલ, શાળાઓમાં શિક્ષકોની ઘટ મુદ્દે ઉગ્ર વિરોધ
Bhuj Congress Protest : કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછતનો મુદ્દો ફરી એકવાર ઉગ્ર બન્યો છે. તાજેતરમાં મળેલી કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસ પક્ષે આ મુદ્દે ભારે હંગામો મચાવ્યો હતો. કચ્છ જિલ્લામાં 50 ટકાથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણ કાર્ય પર માઠી અસર થઈ રહી છે, જેના કારણે કોંગ્રેસે સત્તાધારી પદાધિકારીઓ સામે બંગડીઓ ધરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું કે આ મુદ્દે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી, જેના કારણે હવે તેઓ મેદાને આવ્યા છે. કોંગ્રેસે તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવાની માંગણી સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સત્તાપક્ષના હોદ્દેદારો રાજીનામું આપે તેવી પણ માંગ કરી હતી.
કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરાયેલા ઉગ્ર વિરોધ અને ધક્કામુક્કીના કારણે જિલ્લા પંચાયતની ઓફિસમાં ભારે તણાવ સર્જાયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ઉગ્ર વિરોધ કરી રહેલા કેટલાક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરી હતી.
નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં શિક્ષકોની મોટી ઘટ હોવાથી શિક્ષણની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. કચ્છ જિલ્લામાં કુલ 1,645 પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં 4,700 જેટલા શિક્ષકોની ઘટ છે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે 100 જેટલી શાળાઓમાં એક પણ શિક્ષક નથી, જેના કારણે શાળાઓ બંધ જેવી સ્થિતિમાં છે.
વધારામાં, 150 જેટલી શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે ચાલી રહી છે, જેનાથી બાળકોના શિક્ષણ પર ગંભીર અસર થઈ રહી છે. શિક્ષણ જેવી પાયાની સુવિધામાં અવગણનાના આ મુદ્દાએ કચ્છના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.