Gujarat

કચ્છમાં કાળમુખી રફ્તાર: બેફામ કાર ચાલકે બે આશાસ્પદ યુવાનોનો ભોગ લીધો

By GS TEAM
7 Feb 20262 mins read
TukuTouch Logo
મોડી રાત્રિના સમયે જ્યારે શહેરની સડકો શાંત હતી, ત્યારે GJ 39 CB 9743 નંબરની મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ ગાડીના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેફામ બનેલી આ કારે રસ્તા પર પસાર થઈ રહેલા એક એક્ટિવા અને એક મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છમાં કાળમુખી રફ્તાર: બેફામ કાર ચાલકે બે આશાસ્પદ યુવાનોનો ભોગ લીધો

Kutch News : સરહદી જિલ્લા કચ્છના મુખ્ય મથક ભુજમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભુજના ગાંધીધામમાં પોશ ગણાતા રોટરી ક્લબ સર્કલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક લક્ઝુરિયસ કારે બે દ્વિચક્રી વાહનોને અડફેટે લેતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કારના બોનેટનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને એરબેગ્સ પણ ખુલી ગઈ હતી.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, મોડી રાત્રિના સમયે જ્યારે શહેરની સડકો શાંત હતી, ત્યારે GJ 39 CB 9743 નંબરની મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ ગાડીના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેફામ બનેલી આ કારે રસ્તા પર પસાર થઈ રહેલા એક એક્ટિવા (નંબર GJ 12 EA 8110) અને એક મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક્ટિવા અને બાઇક સવારો હવામાં ફંગોળાયા હતા અને રસ્તા પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કમનસીબે, બંને ચાલકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.

આ પણ વાંચો : અમેરિકાએ પણ સ્વીકાર્યું PoK ભારતનો હિસ્સો છે, નક્શો જોઈ શાહબાઝ-મુનીર ખિજાશે

કારની હાલત જોઈ ધ્રૂજી ઉઠ્યા લોકો

અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ કારની હાલત જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે કારની સ્પીડ કેટલી વધારે હશે. ગાડીના બોનેટના ભાગનો કુરચો બોલી ગયો હતો. અકસ્માતની તીવ્રતાને કારણે કારની સેફ્ટી એરબેગ્સ પણ ખુલી ગઈ હતી, જે સામાન્ય રીતે ખૂબ જ જોરદાર ઈમ્પેક્ટ વખતે જ ખુલતી હોય છે.

ચાલક ફરાર, પોલીસ તપાસ તેજ

માનવતાને નેવે મૂકીને કાર ચાલક અકસ્માત સર્જાયા બાદ તુરંત જ ગાડી મૂકીને અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે કાર નંબરના આધારે તેના માલિક અને ચાલકની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું કાર ચાલક નશાની હાલતમાં હતો? કે પછી અન્ય કોઈ કારણોસર આટલો ભયાનક અકસ્માત સર્જાયો. સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી આરોપીને વહેલી તકે પકડી શકાય. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વધતા જતા સ્પીડ ક્રેઝ અને નશાખોરી સામે લાલબત્તી ધરી છે. બે નિર્દોષ નાગરિકોના મોતના સમાચારથી સમગ્ર કચ્છમાં અરેરાટી વ્યાપી ગઈ છે.