કચ્છના અંજારમાં સાવકા પિતાનું રાક્ષસી કૃત્ય, ફક્ત 2 વર્ષના પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kutch Crime News: કચ્છના અંજાર તાલુકાના મોટી નાગલપર ગામમાં માનવતાને શર્મસાર કરતી એક હેવાનિયતભરી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર પંથકમાં ફીટકાર વરસાવ્યો છે. અહીં એક સાવકા પિતાએ પોતાની પત્ની સાથે બદલો લેવાની વિકૃત ભાવનાથી માત્ર બે વર્ષના માસૂમ આંગળિયાત પુત્રને ઢોર માર મારી પોતાના હવસનો શિકાર બનાવ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ચકચારી બનાવ સોમવારની રાત્રિના સાડા અગિયારથી બાર વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપી સાવકો પિતા બે વર્ષના માસૂમ પુત્રને બાઈક પર બહાર ફરવા લઈ જવાના બહાને ગામના સીમાડે આવેલા એક નિર્જન ખેતરની બાવળની ઝાડીમાં લઈ ગયો હતો.
ત્યાં તેણે માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને ત્યારબાદ તેને બેરહેમીપૂર્વક ઢોર માર માર્યો હતો. અડધો કલાક વીતી જવા છતાં પતિ-પુત્ર પરત ન ફરતાં પત્નીએ ફોન કરતાં આરોપી ઘરે પાછો ફર્યો હતો.
આ પણ વાંચો: મધ્ય ગુજરાતની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, બેને કારણદર્શક નોટિસ, આરોગ્ય મંત્રીએ કેમ કરી કાર્યવાહી?
આ રીતે ફૂટ્યો ભાંડો
જ્યારે આરોપી ઘરે આવ્યો ત્યારે બે વર્ષના માસૂમના ગાલ અને હોઠ પરથી લોહી વહી રહ્યું હતું અને તે ઈજાના કારણે દર્દથી કણસતો હતો. પત્નીએ પૂછપરછ કરતાં આરોપીએ રસ્તામાં બાઈક અકસ્માત થયો હોવાનું અને પુત્રને ઈજા થઈ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું.
તે બાળકને પહેલા ખાનગી અને બાદમાં અંજારની સરકારી હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, અકસ્માત છતાં પતિને કોઈ ઈજા ન થતાં અને બાળકને ગંભીર ઈજાઓ હોવાથી પત્નીને તેના પર શંકા ગઈ હતી. બાળકની સ્થિતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.
ભુજ ખાતે સારવાર દરમિયાન બાળકે જાજરૂ કરતાં તેના ગુદા માર્ગેથી અતિશય લોહી નિકળ્યું હતું, જેનાથી સ્પષ્ટ થયું કે બાળક સાથે કોઈ અમાનવીય કૃત્ય થયું છે. હોસ્પિટલના સત્તાવાળાઓએ તાત્કાલિક અંજાર પોલીસને આ અંગે જાણ કરી હતી.
પોલીસ તપાસ અને આરોપીની કબૂલાત
ઘટનાની ગંભીરતા સમજી અંજાર પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી સાવકા પિતાને દબોચી લીધો હતો. શરુઆતમાં તેણે અકસ્માતની જ વાત રટી હતી, પરંતુ પોલીસને શંકા હોવાથી તેની આગવી ઢબે પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
આરોપીએ કબૂલાતમાં જણાવ્યું કે, તેની પત્નીના પહેલા પતિનું અવસાન થતાં તેણે બે વર્ષ અગાઉ આરોપી સાથે બીજા લગ્ન કર્યા હતા. તે પહેલા લગ્નના બે સંતાનોને પણ સાથે લાવી હતી. આ દરમિયાન આરોપી દ્વારા પત્નીને ગર્ભ રહી ગયો હતો, પરંતુ પત્ની હાલ બાળક ઈચ્છતી ન હોવાથી તેણે ગર્ભપાત કરાવી નાખ્યો હતો. આ જ વાતનો બદલો લેવા માટે આરોપીએ તેના સાવકા પુત્રને નિશાન બનાવી આ ધૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું. આઘાત પામેલી માતાએ પોતે જ પોતાના હેવાન પતિ વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.









