Gujarat

કુડાનો જર્જરિત બ્રિજ 6 મહિનાથી બંધ, રિપેર નહીં કરતા લોકોને હાલાકી

By GS TEAM
19 Dec 20252 mins read
કુડાનો જર્જરિત બ્રિજ 6 મહિનાથી બંધ, રિપેર નહીં કરતા લોકોને હાલાકી

બ્રિજનું તાત્કાલિક રિપેરિંગ હાથ ધરવા આઠ ગામના લોકોની માંગ

ડાયવર્ઝન માર્ગ બિસ્માર બનતા ખાનગી વાહનો મુસાફરોને જર્જરિત બ્રિજ પાસે ઉતારી દેતા બે કિમી ચાલવા મજબૂર

ધ્રાંગધ્રા -  વડોદરાના પાદરા તાલુકામાં ગત ૯મી જુલાઇના રોજ ગંભીરા બ્રિજ દુર્ઘટના રાજ્ય સરકારે તમામ જર્જરિત બ્રિજ પરની અવર જવર બંધ કરવાનો આદેશ આપતા ધ્રાંગધ્રાથી કુડા તરફ જવા માટે નર્મદા કેનાલ પરનો બ્રિજને પણ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે ધ્રાંગધ્રા તાલુકાના કુડા, કોપરણી, એજાર, નિમકનગર, વિરેન્દ્રગઢ, સત્તાપર સહિત ૦૮ થી વધુ ગામોના રહીશો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 

તંત્ર દ્વારા બ્રિજ બંધ કરી કેનાલના રસ્તેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ આ ડાયવર્ઝન પણ બિસ્માર હોવાથી ગ્રામ્ય વિસ્તારના ખાનગી વાહનો બ્રિજ પાસે આવતા તમામ પેસેન્જરોને નીચે ઊતરીને અંદાજે ૦૨ કિલોમીટર સુધી બ્રિજને ફરી પગપાળા જવું પડે છે. ખાસ કરીને દર્દીઓ અને પ્રસૂતા મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં પણ ભારે મુશ્કેલી પડે છે. 

તંત્ર દ્વારા છેલ્લા ૦૬ મહિનાથી જર્જરિત બ્રિજને બંધ કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી બ્રિજનું રિપેરિંગ કામ અથવા તો નિર્માણ કરવાનું કામ શરૃ કરાયું નથી. જેથી છેવાડાના તમામ ગામના રહીશો અને વાહન ચાલકોને દ્વારા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને ના છુટકે જર્જરિત બ્રિજ પરથી પોતાના જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા છે. આથી સ્થાનિકો દ્વારા છેલ્લા ૦૬ મહિનાથી બંધ કરેલ જર્જરીત બ્રિજનું તાત્કાલિક રિપેરિંગ કરી ફરીથી રાબેતા મુજબ શરૃ કરવાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.