વડોદરા: શ્રાવણની અમાસ નિમિત્તે કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર તારીખ 18 અને 19 ના રોજ બંધ રહેશે
વડોદરા, તા. 12 ઓગસ્ટ 2020 બુધવાર
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિરમાં દર મહિનાની અમાસ નિમિત્તે દર્શન કરવાનું અનેરૂ મહત્વ છે ત્યારે શ્રાવણ માસમાં અમાસના દિવસે વધુ ભાવિકો એકઠા થાય તેવી સ્થિતિનું નિર્માણ અને હાલની કોરોના મહામારીની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ તારીખ 18 અને તારીખ 19 ના રોજ કુબેર ભંડારી મંદિર બંધ રાખવાનો નિર્ણય કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને છેલ્લા ત્રણ મહિનાથી તમામ ધાર્મિક સ્થાનો બંધ રાખવામાં આવ્યા હતા ત્યારબાદ લોકડાઉન હટાવવામાં આવતા ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ ગુજરાતના ધાર્મિક સ્થાનો પુનઃ શરૂ કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે વડોદરા જીલ્લાનું કુબેર ભંડારી મંદિર પણ પુનઃ શરૂ કરવામાં આવ્યું હતું.
શ્રાવણ માસમાં સવારે આઠથી સાંજે છ કલાક સુધી કુબેર દાદાના દર્શનનો લાભ ભાવિક ભક્તો લઈ રહ્યા છે. કુબેર ભંડારી મંદિરમા અમાસના દિવસે નર્મદા સ્નાન અને ત્યાર પછી દાદાના દર્શનનું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે શ્રાવણ માસના છેલ્લા દિવસની અમાસના દિવસે પણ આ વખતે ભાવિક ભક્તો કુબેર દાદાના દર્શન કરી શકશે નહીં.
કુબેર ભંડારી મંદિર ટ્રસ્ટના સંચાલકોએ તારીખ 18 અને 19મીના રોજ કુબેર ભંડારી મંદિર હાલની કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.