ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવાયા
- નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે
- ત્રણ દિવસની રજામાં બે લાખથી વધુ ભક્તો ઉમટયા : હીરા- પન્નાજડિત સવાલાખનો મુગટ રણછોડરાયે ધારણ કર્યો, સવારે 4 વાગ્યા સુધી દર્શન ચાલ્યા, મટકી ફોડી, ગોપ- ગોપીઓ સાથે ભક્તો ફૂદરડી ફર્યા
જન્માષ્ટમીના દિવસે સવારે મંદિર ખુલતાની સાથે જ ભક્તો મંગળા આરતી કરવા ઉમટયા હતા. બપોરના ૧૨ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહ્યા હતા અને ઠાકોરજીને રાજભોગ જમાડવામાં આવ્યો ત્યારે દર્શન બંધ રહ્યા હતા. બપોરે ૧ વાગે ઠાકોરજીને પોઢાડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ મંદિર સાંજે ૪.૪૫ કલાકે ખુલી ૫ વાગે ઉથ્થાપન આરતી કરાઈ હતી. બાદમાં ઠાકોરજીને વર્ષો જૂનો અમૂલ્ય હીરાપન્નાજડિત સવાલાખનો મુગટ ધારણ કરાવાયો હતો.
ત્યારબાદ રાત્રીના ૧૨ વાગે પંચામૃત સ્નાન કરાવી રોહિણી નક્ષત્રમાં ઠાકોરજીને તિલક કરી શ્રીકૃષ્ણ જન્મના વધામણાં કરવામાં આવ્યા હતા. પંચાજીરીનો પ્રસાદ ધરાવીને વરદારી સેવકો દ્વારા મંદિરમાં થાપા મારી મંદિરમાં વધામણાં કરાયા હતા. ભક્તોની ભારે ભીડ સાથે આતશબાજી વચ્ચે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના નાદ ડાકોરમાં ગૂંજી ઉઠયા હતા.
ડાકોર મંદિર બહાર ડાકોર નગરની ગલીઓમાં બાળકો દ્વારા પારણાંમાં ગોપાલલાલજીને ઝુલાવવામાં આવ્યા હતા. રાત્રીના બે વાગે ગોપાલલાલજીને સોનાનના પારણે ઝુલાવવામાં આવ્યા હતા. મંદિરમાં મટકીફોડીના કાર્યક્રમે શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં વધારો કર્યો હતો. દર્શન સવારના ૪ વાગ્યા સુધી ચાલ્યા હતા. ત્યારબાદ મંદિર બંધ કરી ઠાકોરજીને પોઢાડી દેવામાં આવ્યા હતા.
જન્માષ્ટમીના બીજા દિવસે સવારે ૮ કલાકે મંગળા બાદ શણગાર ભોગ દર્શન ખૂલીને ગોપીઓ નીકળી હતી. ગોપીઓ, નંદરાય, યશોદાજી સાથે ગોવર્ધન પૂજા કરી ગૌમાતાને શીરો ધરાવાયો હતો. બાદમાં દહીં- મટકી ફોડી, ચોકલેટ ઉછાળી ભક્તોએ નંદ, યશોદાજીના આશીર્વાદ લઈ ગોપ- ગોપીઓ સાથે ફૂદરડી ફરી આનંદ માણ્યો હતો.