- સુરતની સ્પેશ્યલ બાળકોની સ્કુલમાં કોઈ બન્યું રાધા તો કોઈ બન્યું કૃષ્ણ
- માનસિક દિવ્યાંગ બાળકોને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનો પ્રયાસ, આવા બાળકો પણ સારી રીતે ઉત્સવની ઉજવણી કરી શકે છે
સુરત, તા. 18 ઓગષ્ટ 2022, ગુરૂવાર
સુરત સહિત સમગ્ર દેશમાં આવતીકાલે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. તેમાં પણ સ્કૂલમાં પણ બાળકોને ગીતાના પાઠ સાથે સાથે કૃષ્ણ જન્મોત્સવની માહિતી મળે તે માટે ઉજવણી કરવામા આવી રહી છે. સુરતના નોર્મલ વિદ્યાર્થીઓની સ્કૂલ સાથે સાથે શહેરના માનસિક દિવ્યાંગ ગણાતા સ્પેશ્યલ બાળકોની સ્કૂલમાં પણ આજે ઉત્સાહભેર કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.

સુરતના નોર્મલ બાળકોની સ્કૂલ માં તો દર વર્ષે તમામ તહેવારોની ઉજવણી ભારે ઉત્સાહથી થાય છે તેવી જ રીતે છેલ્લા કેટલાક વર્ષોથી સ્પેશ્યલ બાળકોની સ્કૂલ માં પણ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. સ્પેશિયલ બાળકોને પગભર કરવા માટે વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તેની સાથે તેઓ સમાજની મુખ્ય ધારામાં જોડાઈ અને તમામ તહેવારોની ઉજવણી કરી શકે તે માટે તહેવારોની ઉજવણીનો ટ્રેન્ડ પણ શરુ થયો છે.

શહેરમાં મહાદેવ ટ્રસ્ટ પરિવાર ની સ્કુલ સહિત અન્ય સ્પેશ્યલ બાળકોની સ્કૂલ માં આજે કૃષ્ણ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આજે માનસિક દિવ્યાંગ બાળકો માંથી કોઈ બન્યું રાધા તો કોઈ કૃષ્ણ બન્યું હતું. આ નિર્દોષ બાળકોએ પોતાની રીતે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. આસ્કુલમાં કૃષ્ણનું પારણું ઝુલાવવા સાથે મટકી ફોડનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. સ્પેશ્યલ બાળકોને સમાજની મુખ્ય ધારા સાથે જોડવા માટે માનસિક દિવ્યાંગ બાળકોની સ્કુલ દ્વારા અનેક કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે તેમાં બાળકો સાથે વાલીઓ પણ ઉત્સાહથી ભાગ લઈ રહ્યાં છે.


