કોવિડ- 19, H3N2 એક સાથે ફેલાયા, કોરોનાના વધુ 90 કેસો
અમદાવાદમાં 49,મહેસાણા 10,રાજકોટ 8,સુરતમાં 6 નવા કેસો H3N2માં શ્વાસોશ્વાસની ગંભીર તકલીફ થઈ શકે, હાથ ધોવા, ભીડમાં ન જવા,આડેધડ એન્ટીબાયોટિક નહીં લેવા માર્ગદર્શિકા જારી
રાજકોટ, : એક તરફ વિશ્વ આરોગ્ય સંસ્થા આ વર્ષમાં કોરોનાનો અંત આવે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં કોરોના અને આશ્ચર્યજનક રીતે તેની સાથે સ્વાઈન ફ્લુના નવા વેરિયેન્ટ એચ૩એન૨એ ભરડો લેવાનુ શરૂ કર્યું છે. ગુજરાતમાં આજે કોરોનાના વધુ ૯૦ કેસો નોંધાયા છે જ્યારે નવા સ્વાઈન ફ્લુના કેસોની વિગતો જારી થઈ નથી પરંતુ,રાજ્યમાં અનેક લોકો તેની ઝપટે ચડી ગયાની શંકા છે, કારણ કે તેના લક્ષણો ધરાવતા દર્દીઓનું પ્રમાણ 25થી 50 ટકા સુધી વધી ગયાનું તબીબી સૂત્રો જણાવે છે.
આજે કોરોનાના અમદાવાદમાં 49, મહેસાણામાં 10, રાજકોટ શહેરમાં 8 અને જિલ્લામાં 2, સુરત શહેરમાં 6, સાબરકાંઠા અને વડોદરામાં પાંચ-પાંચ, પોરબંદર ૨, અમરેલી, ભરૂચ અને વલસાડ જિલ્લામાં એક-એક સહિત ૯૦ કેસો નોંધાયા એક્ટીવ કેસોની સંખ્યા 336 ઉપર પહોંચી છે જેમાં પાંચ દર્દીઓની હાલત ગંભીર છે. રાજ્યમાં એક્ટીવ કેસોની સંખ્યા ૩૩૬એ પહોંચી છે, જે મુખ્યત્વે અમદાવાદ, સુરત, મહેસાણા, રાજકોટ અને વડોદરા જિલ્લામાં છે.
એક સાથે બન્ને વાયરલ મહામારી પ્રસરવા લાગતા રાજ્ય સરકારે માર્ગદર્શિકા જારી કરી છે જે મૂજબ એચ૩એન૨ વાયરસના લક્ષણોમાં ઉધરસ, તાવ,વહેતુ નાક જેવા સીઝનલ ફ્લુ જેવા લક્ષણો ઉપરાંત શરીરમાં દુખાવો, ઉલ્ટી, ઝાડા જેવા લક્ષણો પણ જોવા મળે છે. સરકારી સૂત્રો અનુસાર શ્વાસોશ્વાસની બિમારીનું મુખ્ય કારણ એચ૩એન૨ છે જેમાં સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન એટલે કે શ્વાસોશ્વાસમાં ગંભીર બિમારી થઈ શકે છે અને ઓક્સીજન તથા આઈ.સી.યુ.ની જરૂર પણ પડી શકે છે. જેનાથી બચવા ખાસ કરીને ભીડથી દૂર રહેવા અપીલ કરાઈ છે.
સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને મનપાના આરોગ્ય અધિકારીએ કરેલા દાવા મૂજબ હજુ સુધી કોઈ એચ૩એન૨નો કન્ફર્મ કેસ નથી નોંધાયો પરંતુ, તાવ,શરદી,ઉધરસના લક્ષણો સાથેના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જો કે, બીજી તરફ લોકોએ જણાવ્યું કે સરકારી તંત્ર દ્વારા એચ૩એન૨ના દર્દીઓ છે કે કેમ તેનું ટેસ્ટીંગ જ ઓછું થાય છે. જ્યારે સરકારી તંત્રમાં જ્યારે દર્દી કેટેગરી-3માં પહોંચે, શ્વાસાશ્વાસ વગેરે તકલીફ થાય ત્યારે જ સેમ્પલ લેવાની ગાઈડલાઈન હોવાનું જણાવાયું છે.