કૂખ્યાત ૨૧૫ ગુનેગારોના ઘરે કોમ્બિંગ ઃ ઘાતક હથિયારો મળ્યા
ખૂન, લૂંટ, હત્યાની કોશિષ મારામારીના બનાવો વધ્યા
અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બનતા પોલીસનું સર્ચ ઓપરેશન
અમદાવાદ,રવિવાર
અમદાવાદ અસામાજિક તત્વો બેફામ બનીને નિર્દોષ લોકોના જાહેરમાં ખૂન અને હત્યાની કોશિષ મારા મારી સહિતની ગુનાખોરી આચરી રહ્યા છે. જેને લઇને પોલીસે હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલા કૂખ્યાત ૨૧૫ આરોપીઓ ઘરે મધરાતે કોમ્બિંગ હાથ ધરીને છરી, ચાકુ સહિતના ઘાતક હથિયારો પકડયા હતા. પોલીસના સર્ચ ઓરપેશનના કારણે ઘણા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બનતા પોલીસનું સર્ચ ઓપરેશન ઃ ઘણા ભૂગર્ભમાં ઉતર્યા
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોને પોલીસનો ડરના રહ્યો હોય તેમ જાહેરમાં હત્યાના બનાવો વધ્યા હતા. ખોખરાની સ્કૂલમાં વિદ્યાથીને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી અને મેઘાણીનગરમાં પણ જાહેરમાં ધારિયાના ઘા મારીને યુવકની કરપીણ હત્યા કરી હતી.
જેના કારણે ઝોન-૬ ડીસીપી ભગીરથ ગઢવી દ્વારા ઇસનપુર, વટવા, મણીનગર, નારોલ દાણીલીમડા સહિતની વિસ્તારમાં મધરાતે પોલીસે સર્ચ ઓરપેશન હાથ ધરીને તેમના ઘર અને વાહનો ચેક કર્યા હતા. જેમાં ખાસ કરીને હત્યા, હત્યાની કોશિષ તથા મારામારી લૂંટ સહિતની ગુનાખોરી આચરનારા અને આવા ગુનામાં સંડોવાયેલા કુલ ૨૧૫ આરોપીઓના ઘરે મધરાતે કોમ્બિંગ હાથ ધરીને તેમના ઘરેથી છરી, ચાકુ સહિતના ઘાતક હથિયારો કબજે કરીને તેઓ સામે ગુના નોેધીને વધુ તપાસ હાથ ધરી છે.