જાણો, 1938માં લખાયેલા પતંગ પુરાણમાં પતંગની લાંબી લચક વ્યાખ્યા શું છે ?
પાનઘોડા, ભુતછાપ જેવી બ્રાંડના માંજાઓ મળતા હતા
મકરસંક્રાતિના આગલા દિવસને ખાટુંવડું કહેવાતું હતું
અમદાવાદ,13,જાન્યુઆરી,2021,બુધવાર
ઉતરાયણને ધ્યાનમાં રાખીને ૧૯૩૮માં હિરાલાલ મહેતાએ પતંગ પુરાણ એટલે કે કનકવાની કહાણી નામનું દળદાર પુસ્તક લખ્યું હતું.જેમાં પતંગની લાંબી લચક વ્યાખ્યા આપવામાં આવી છે. પતંગ પુરાણમાં પતંગની લાંબી લચક વ્યાખ્યા પણ કરવામાં આવી છે.સામાન્ય રીતે જે લગભગ ચોખંડા કાગળને અને કેટલીક વાર એવા કપડાને એક ઉભી ચીપ વડે તેમજ કમાનના આકારની એક બીજી ચીપ વડે સજજ કરી એ કાગળને વાંસની એક ચીપ વડે તેમજ કમાનના આકારની એક બીજી ચીપ વડે સજજ કરી એ કાગળને કે કપડાને યોગ્ય સ્થળેમાં ૩ દોરી ૪ દોરી બાંધી આકાશમાં દોરી કે કવચિત તાર વડે ચગાવાય છે તેને કનકવો એટલે કે પતંગ કહેવામાં આવે છે
પતંગ પુરાણમાં ઉતરાયણ ઉત્સવ અને પતંગ અંગેની રોચક માહિતી આપવામાં આપતા કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં પતંગ ચગાવવાનો શોખ સુરત જેવો બીજા કોઇને નથી.કિશોરવયની કુમારિકાઓ અને વૃધ્ધો તો પતંગ પાછળ ૨૦ થી ૨૫ રૃપિયા જેટલો ખર્ચ કરે છે. નોકરી કરતા હોય એ ઉતરાયણની બે ત્રણ દિવસ આગળ અને બે ત્રણ દિવસ પછી રજા મેળવે છે. તે નોકરી પર જતા નથી. આઠ વાર અને નવ તહેવારમાં લોકો ત્રણ ઉતરાયણ ઉજવે છે. સુરતની અસર મુંબઇ અને અમદાવાદમાં પણ થવા લાગી છે. કેમ કે પહેલા ત્યાં અત્યારના જેટલા કનકવા ચગતા નથી. સુરત શહેરમાં મકરસંક્રાતિનો આગલો દિવસ ખાટુંવડુ કહેવામાં આવતો હતો.
વેપારીઓમાં પેચ લડાવીને દોરી વેચવાની હરિફાઇ ચાલતી
થોડાક વર્ષો પહેલા તો સુરત શહેરમાં કનકવા અને માંજો વેચનારા વચ્ચે હરિફાઇ ચાલતી હતી.દોરી વેચનારા બે જણા માન દરવાજે જઇને કનકવો (પતંગ) ચગાવતા અંતમાં જેનો પતંગ કપાઇ જાય તે હારી ગયેલો ગણાતો.કનકવો ના કપાયો હોય એનો માંજો વખણાતો હતો. પતંગ ચગાવવાથી થતા લાભ અંગે પતંગ પુરાણમાં લખવામાં આવ્યું છે કે બે ઘડી મોજનું સાધન હોવા ઉપરાંત અગાસી પર શરીર પર રહેવાથી શરીર પર સૂર્યના કિરણો પડે છે.
તેમજ ઉચ્ચે ચોખ્ખી હવા મળે છે.જે તંદસ્સ્તીને પોષે છે.આ ઉપરાંત કબુતર વગેરે પક્ષીઓની પાંખ કપાઇ જતી હોવાથી દુખદ પ્રસંગો પણ ઉભા થાય છે.એ વખતે હાથમાંથી દોરો તોડી નાખવાથી કદાંચ પંખી બચી પણ જાય છે.છાપરે ચડનારના નળિયા ભાંગે છે.હાડકા ભાંગે છે.ગાળા ગાળી અને મારા મારી જેવી કઢંગી સ્થિતિ ઉભી થાય છે.
પતંગને ઢેંચી,લેપડી,ફુટી અને ફુગ્ગી પણ કહેવામાં આવતી
સુરતમાં પતંગને કનકવો ઉપરાંત ઢેંચી,લેપડી,ફુટી કે ફુગ્ગી પણ કહેવામાં આવી હતી.પુસ્તકમાં વણવ્યું છે કે પાતળા ઢઢવાળો પતંગ લપ્પુક કહેવામાં આવે છે.ગાંઠવાળો પતંગ લેવો નહીં.જે પતંગમાં કરચલી પડી ગઇ હોય તેવો પણ પતંગ લેવો નહીં.પતંગમાં જો ઢચક ઢચક અવાજ આવતો હોય તો તેવો પતંગ પણ લેવો યોગ્ય નથી. પહેલા પાનઘોડા, ભુતછાપ,લંગર છાપ વગેરે પ્રકારની બ્રાંડના માંજાઓ પહેલા મળતા હતા.માંજા અને કાચનો સંબંધ ખુબજ જુનો છે.આજથી ૮૦ વર્ષ પહેલા પણ માંજાને ધારદાર બનાવવા માટે કાચનો ઉપયોગ કરવામાં આવતો હતો.પતંગ પુરાણમાં પતંગ ચગાવવાની રીત,કન્ના બાંધવાની રીત,ગોથા ખવડાવવાની રીત,ફાટેલા કનકવા સાંધવાની રીત વગેરનું રોચક વર્ણન કરવામાં આવેલું છે.
કનકવા પર નામ ઠામ લખવાનો રીવાજ પણ જુનો છે.
અટકચાળા છોકરા ગલોલ મારીને કે ઠીકરૃં બાંધીને લંગર મારીને કાપી નાખે છે.કનકવા પર ફુગ્ગા,ઘંટ તથા સાત ફાનસ બાંધવામાં આવતી હતી. પતંગ કપાઇને કે ભેરવાઇને અન્ય કોઇ રીતે બીજાને મળે એવા ઇરાદાથી અને કેટલીક વાર કેવળ ગમ્મત ખાતર કોઇ કોઇ પોતાના કનકવા (પતંગ) પર પોતાનું નામ અને સરનામું પણ લખે છે.