અમદાવાદ,26 ફેબ્રુઆરી,2022,શનિવાર
મોગલ સામ્રાજય દેશમાં ગુજરાત સુધી ફેલાયું ત્યારે અમદાવાદ પણ મહત્વનું રાજકિય કેન્દ્ર હતું. આથી મોગલ બાદશાહના પુત્રો અમદાવાદમાં સુબા તરીકે રોકાવાનું વધારે પસંદ કરતા હતા. જહાંગીર દિલ્હીનું શાસન સંભાળ્યા પહેલા અને પછી પણ અમદાવાદમાં લટાર મારવા આવતો હતો. જો કે જહાંગીરે અમદાવાદમાં ઉડતી ધૂળથી કંટાળીને ભલે ગર્દાબાદ પણ કહયું હોય પરંતુ ઇસ ૧૬૧૮માં જહાંગીરને મળવા આવેલા અંગ્રેજ ડિપ્લોમેટ સર ટોમસ રો એ અમદાવાદના વખાણ કર્યા હતા.
થોમસે જયારે અમદાવાદની મુલાકાત લીધી ત્યારે કહયું કે it is a goodly city as large as london એટલે કે લંડન જેટલું જ વિશાળ સારી રીતનું શહેર છે. આ વાતનો ઉલ્લેખ અંગ્રેજ લેખક વિલિયમ્સ જેમ્સના પુસ્તકમાં મળે છે. ૧ જાન્યુઆરી ૧૬૧૮ થી સપ્ટેમ્બર ૧૬૧૮ સુધી જહાગીર પરીવાર સાથે વેકેશન અમદાવાદમાં રોકાયો ત્યારે થોમસને મળવા ઉપરાંત બ્રિટીશ તાજ સાથે પત્ર વ્યહવાર પણ કર્યો હતો. જો કે એ સમયે કોઇ જ જાણતું ન હતું કે જહાગીરે અંગ્રેજોને વેપાર કરવાનો આપેલો પરવાનો ભારતમાં બ્રિટીશ સામ્રાજયના ફેલાવાનું નિમિત્ત બનશે.

અમદાવાદના વેપારીઓ અંગ્રેજો સાથે વેપાર કરવા રાજી ન હતા
એક ઐતિહાસિક માહિતી મુજબ અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરી ડચ વેપારીઓ સાથે જવેલરી અને અન્ય કોમોડિટીનું વેચાણ કરતા હતા. અંગ્રેજોની ઇચ્છા અમદાવાદમાં જવેલરીનો બિઝનેસ કરવાની હતી.પરંતુ કોઇ વેપારીઓએ તૈયારી ના બતાવતા ખંભાતની વાટ પકડી હતી.
હાપકિન્સ નામનો અંગ્રેજ વેપારી ગુજરાતના કારભારી જેવું માન ધરાવતા મીર મુસાને મળીને વેપારની વાત કરી પરંતુ ભાવ તાલમાં મતભેદ થતા વાર્તા પડી ભાંગી હતી. અમદાવાદમાં વેપારી અને મહાજન પ્રથા એ સમયે ખૂબજ મજબૂત હતી. એ સમયે પરદેશમાં વેપાર સંપર્કો ધરાવતા વેપારીઓ પણ હતા પરંતુ અરબી સમુદ્રમાં ચાંચિયાઓનો ત્રાસ હોવાથી વેપાર કરતા ખચકાતા હતા. મોગલોની પકકડ ઢીલી પડતા અમદાવાદમાં મરાઠાઓના ૬૩ વર્ષના શાસનમાં અંધાધૂંધી અને અરાજકતાથી કંટાળીને ૮૦ ટકા લોકો અમદાવાદ છોડીને જતા રહયા હતા.


