અંધકાર વચ્ચે આશાનું કિરણ બનતી સંસ્થા: પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ માટે સશક્તિકરણની દીવાદાંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ‘સુરભિ-લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલ’ આજે માત્ર એક શૈક્ષણિક સંસ્થા નહીં, પણ દૃષ્ટિહીન બાળાઓના સ્વપ્ન, શિક્ષણ અને સશક્તિકરણની શ્રેષ્ઠ ઉદાહરણરૂપ યાત્રા બની ચૂકી છે. વર્ષ 1991માં સ્વ. નગીનભાઈ અંબાલાલ પટેલના દીર્ઘદ્રષ્ટિથી માત્ર ચાર વિદ્યાર્થીઓ સાથે આ સંસ્થાની શરૂઆત થઈ. પરંતુ આજે, આ સંસ્થા દૃષ્ટિહીન છોકરીઓના સર્વાંગી વિકાસ માટે સમર્પિત એક પ્રેરણાદાયક સંસ્થા બની છે.
લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ વેલ્ફેર સેન્ટર ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ કાર્યરત સુરભિ શાળા દૃષ્ટિહીન વિદ્યાર્થિનીઓ માટે એક સામાજિક આશ્રયસ્થાન સમાન છે. આ શાળામાં હાલ 47 વિદ્યાર્થીનીઓ શિક્ષણ લઈ રહી છે અને 17 પ્રતિબદ્ધ સ્ટાફ સભ્યોની ટીમ તેમની પાછળ સંકલ્પબદ્ધ રીતે ઊભી છે. શાળાનું કૅમ્પસ દૃષ્ટિહીન બાળકો માટે વિશેષરુપે રચાયેલુ છે, જ્યાં રહેણાંક અને શિક્ષણની તમામ સુવિધાઓ મફત પુરી પાડવામાં આવે છે. શાળાના વિદ્યાર્થીગૃહો ફક્ત નિવાસ માટે નહીં, પણ નેતૃત્વ, સહકાર અને સ્વવિકાસ માટે પણ ઉપકારક બની રહ્યા છે. વડોદરા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની બાળાઓ માટે આ સંસ્થા નવી દિશા અને દ્રષ્ટિ આપે છે. પરંપરાગત બ્રેઇલ આધારિત શિક્ષણ સાથે હવે ડિજિટલ શિક્ષણ તરફ ધીરે ધીરે પગલાં ઊઠાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીનીને લેપટોપ, સ્માર્ટફોન, શૈક્ષણિક એપ્લિકેશનો અને ટેક્નોલોજી સહાયક સાધનોમાં નિપુણ બનાવવામાં આવી રહી છે, જેથી તેઓ માત્ર ભણવામાં રહી ન જાય, પણ ડિજિટલ યુગમાં પોતાનું યોગદાન આપવાનું પણ શીખે. ગુજરાત સરકારની "સંત સૂરદાસ યોજના" હેઠળ દર મહિને દરેક વિદ્યાર્થીના ખાતામાં રૂ. 1,000 જમા થાય છે. છતાં પણ, સંસ્થાનું વિશાળ મિશન દાતાઓના સહકાર વિના સંભવ ન હોત. કોર્પોરેટ પાર્ટનર્સ અને વ્યક્તિગત દાતાઓ દ્વારા મળતી સહાયથી આ દીવાદાંડીની જ્યોત સતત પ્રજ્વલિત રહે છે.
અભ્યાસ સાથે વ્યવસાયની તૈયારીઓ
અહીં વિદ્યાર્થીનીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નથી અપાતું, પણ જીવનમાં સ્વાવલંબન માટે જરૂરી વ્યવસાય કૌશલ્યો પણ શીખવાડવામાં આવે છે. જેમ કે ઘરેણાં બનાવવાનું કળા-કૌશલ્ય, બિંદી-રાખીની ડિઝાઇન, સંગીત, બ્રેઇલ સાક્ષરતા અને દૈનિક જીવન માટે જરૂરી તાલીમ પણ અભ્યાસક્રમમાં શામેલ છે.
વિદ્યાર્થીઓની સિદ્ધિઓ
માધી રાઠવા: રાષ્ટ્રીય ચેમ્પિયન, ભાલા ફેંક (અંડર-19), 2022
લક્ષ્મી સોલંકી: રજત ચંદ્રક વિજેતા, લાંબી કૂદ, 2024
ફૂટબોલ: દક્ષિણ-પશ્ચિમ ઝોનલ બ્લાઇન્ડ ટૂર્નામેન્ટમાં ગુજરાતની ટીમે વિજય મેળવ્યો, જેમાં આશા રાઠવા, ફાલ્ગુની વસાવા, વસંત રાઠવા અને માધી રાઠવાએ મુખ્ય ભૂમિકા ભજવી
ભૂતપૂર્વ વિદ્યાર્થી આજે શાળાના શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે
હિના નાયક, એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આજે શાળાના શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, “અહીં મેં મારા શૈક્ષણિક જીવનની શરૂઆત કરી અને આજે નવી પેઢી માટે શિક્ષણ આપવાનું ગૌરવ અનુભવું છું. આ સંસ્થાએ અત્યાર સુધી 800થી વધુ છોકરીઓના જીવનમાં ક્રાંતિ સર્જી છે, જે હવે બેંકિંગ, શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી રહી છે. અહીંની મફત સુવિધાઓ સ્માર્ટફોન, બ્રેઇલ કિટ, વૉકિંગ સ્ટીક દરેક બાળકને આગળ વધવા માટે સહારો આપે છે.








