વડોદરાઃ ઉત્તરાયણ પર્વના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં દોરા-પતંગોની ઘરાકીમાં ઉછાળો આવ્યો છે.વેપારીઓ છેલ્લા કેટલાક દિવસોથી ખરીદી નીકળે તેની રાહ જોઈ રહ્યા હતા.શનિવાર અને રવિવારની રજાઓની સાથે પતંગ રસિકો પતંગો ખરીદવા માટે બજારમાં ઉમટી પડયા હતા અને હવે તા.૧૪ જાન્યુઆરીની પૂર્વ સંધ્યા સુધી ઘરાકી રહેશે તેવી આશા છે.
વેપારીઓનું કહેવું છે કે, ગત વર્ષ કરતા પતંગોના ભાવ વધ્યા છે.વડોદરા પતંગ બજાર એસોસિએશનના સેક્રેટરી અતુલભાઈ છત્રીવાલાનું કહેવું છે કે, આ વખતે વરસાદની સિઝન લાંબી ચાલી હતી.ભેજવાળા વાતાવરણમાં પતંગો બનાવાતી નથી અને તેના કારણે કારીગરોને પતંગો બનાવવા માટે ઓછા દિવસો મળ્યા છે.જેના કારણે દર વર્ષ કરતા પતંગોના સ્ટોકમાં ૨૦ થી ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.આ ઉપરાંત પતંગના ઢઢ્ઢા તથા કમાનમાં વપરાતી અને કોલકાતાથી આવતી વાંસની લાકડીનો ભાવ વધ્યો છે.આ પરિબળોના કારણે પતંગોના ભાવમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો નોંધાયો છે.વેપારીઓના જણાવ્યા અનુસાર જે પતંગોની એક કોડીનો ભાવ ગત વર્ષે ૮૦ થી ૯૦ રુપિયા હતો તેનો ભાવ આ વખતે ૧૨૦ રુપિયા છે.પતંગોમાં ઓછામાં ઓછી ૧૦૦ રુપિયે કોડી( ૨૦ પતંગો)થી માંડીને ૪૦૦ થી ૫૦૦ રુપિયે કોડીની વેરાઈટીઓ ઉપલબ્ધ છે.ભાવ વધવાના કારણે પતંગ રસિકોની ખરીદી જોકે ઓછી થઈ છે.
દોરાના ભાવમાં ખાસ વધારો થયો નથી
મળતી વિગતો પ્રમાણે દોરાના ભાવમાં કોઈ ખાસ વધારો થયો નથી.૧૦૦૦ વારની રીલ ૧૦૦ રુપિયાથી માંડી ૧૫૦ રુપિયાની વચ્ચે મળે છે.જ્યારે ૫૦૦૦ વારની રીલ ગુણવત્તા પ્રમાણે ૩૫૦ રુપિયાથી ૧૦૦૦ રુપિયાની વચ્ચે વેચાઈ રહી છે.૧૦૦૦ વારનો દોરો સૂતવાનો ભાવ ૫૦ થી ૧૦૦ રુપિયા તો ૫૦૦૦ વારનો દોરો સુતવાનો ભાવ ૩૦૦ થી ૭૦૦ રુપિયા છે.પતંગ રસિકો ૫૦૦૦ વારની રીલ વધારે પસંદ કરી રહ્યા છે.
ઓપરેશન સિંદૂરની પતંગો માર્કેટમાં આવી
દર વર્ષે બજારમાં કોઈને કોઈ મોટી ઘટનાને આધારિત પતંગો વેચાવા માટે આવતી હોય છે.આ વખતે ઓપરેશન સિંદૂર વિષય પર પતંગો બનીને વેચાવા માટે આવી છે.આ પતંગો પર કર્નલ સોફિયા કુરેશી તથા એરફોર્સ ઓફિસર વ્યોમિકા સિંઘની તસવીરો જોવા મળી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાવાળી પતંગોની પણ ડિમાન્ડ છે.
આઠ કારીગરોના હાથમાંથી પસાર થયા બાદ પતંગ બને છે
ગુજરાતમાં વડોદરા, નડિયાદ, અમદાવાદ અને સંખેડામાં મોટાભાગની પતંગો બને છે.પતંગ રસિકોની ડિમાન્ડ ગુજરાતમાં બનતી પતંગોથી પૂરી થાય છે.રસપ્રદ વાત એ છે કે, નાનકડી દેખાતી એક પતંગ આઠ કારીગરોના હાથમાંથી પસાર થાય છે ત્યારે પતંગનું સ્વરુપ ધારણ કરે છે.પતંગનુ કટિંગ કરનાર, તેના પર લાકડીઓ ફિટ કરનાર, પતંગોને ચોંટાડનાર એમ તમામ તબક્કામાં અલગ અલગ કારીગરો કામ કરતા હોય છે.


