વડોદરાઃ બે દિવસના ઉત્તરાયણ પર્વની પૂર્વ સંધ્યાએ શહેરના બજારોમાં પતંગ-દોરા અને ગોગલ્સ સહિતની વિવિધ વસ્તુઓની ધૂમ ખરીદી નીકળી હતી.જેના કારણે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
શહેરના પતંગ બજાર તરીકે ઓળખાતા ગેંડીગેટ રોડ પર મોડી સાંજ બાદ ભારે ગીર્દી જામી હતી.એક જ દિવસમાં આજે વડોદરાના પતંગ રસિકોએ એકાદ કરોડ રુપિયાની ખરીદી કરી હતી.ગેંડીગેટ રોડ સહિત વિવિધ વિસ્તારોમાં આજે પતંગની દુકાનો પણ મધરાત સુધી ખુલ્લી રહી હતી તો પતંગ ચાહકોના ઓર્ડરોને પહોંચી વળવા માટે દોરા સૂતવાનું પણ આખી રાત ચાલું રહ્યું હતું.બજારોમાં જામેલી લોકોની ભીડના કારણે ગેંડીગેટ રોડ પર સાંજ બાદ ટ્રાફિક બંધ કરાવવામાં આવ્યો હતો.
ઉત્તરાયણ પર્વના બે દિવસમાં પતંગ- દોરાની જેમ ઊંધીયું, જલેબી અને બીજી ખાણી પીણી પાછળ પણ શહેરીજનો લાખો રુપિયા ખર્ચી નાંખશે.


