Vadodara Kite Festival : રાજ્યના અન્ય શહેરોની જેમ વડોદરામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે આકર્ષણ જમાવ્યું હતું. જેમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ડેનમાર્ક, સ્વીડન, રશિયા, સિંગાપોર, સાઉથ આફ્રિકા, કોલંબિયા સહિતના 18 દેશો અને ભારતના રાજસ્થાન, તામિલનાડુ, બિહાર સિક્કિમ અને ઓરિસ્સાના સાત રાજ્યોમાંના 160 પતંગબાજોએ અવનવી ડિઝાઈનની વિરાટકાય અને મનમોહક પતંગો સાથે ભાગ લીધો હતો.
શહેરના નવલખી મેદાન ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં જોકે પવને સાથ આપ્યો નહોતો. ખાસ કરીને વિદેશી પતંગબાજો વજનમાં વધારે અને મોટાકદની પતંગો ચગાવી શક્યા નહોતા. જેની નિરાશા તેમના ચહેરા પર દેખાતી હતી.તેની સાથે સાથે બપોરની અસહ્ય ગરમીએ પણ તેમને પરેશાન કર્યા હતા. પતંગબાજોનું કહેવું હતું કે, કાઈટ ફેસ્ટિવલ માટે પ્રતિ કલાક 10 થી 15 કિલોમીટરની હવાની ઝડપ સતત રહેવી જોઈએ. જો કે હાજર રહેલા લોકોને નિરાશ નહીં કરવા માટે પતંગબાજોએ થોડા સમય માટે પણ આકાશમાં પતંગો ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. પતંગબાજોને પતંગ મહોત્સવ પહેલા ગરબાની ઝલક દેખાડવામાં આવી હતી તથા ઉત્તરાયણમાં લોકોના ફેવરિટ ગણાતા ઊંધીયું, જલેબી અને ચિક્કીનો સ્વાદ પણ ચખાડવામાં આવ્યો હતો.

મેદાનની અંદરથી અને બહારથી નાની પતંગો ચગાવીને મોટી પતંગો કાપવાનો પ્રયાસ
પતંગબાજોને અન્ય એક વિઘ્ન પણ નડયું હતું. કેટલાક લોકો પતંગબાજોની સાથે કાચવાળી દોરી અને સ્થાનિક બજારોમાં વેચાતા નાના પતંગો ચગાવવા માંડયા હતા. અન્ય કેટલાક લોકો મેદાનની બહારથી પતંગો ચગાવીને ડિઝાઈનર પતંગો કાપવાનો પ્રયાસ કરી રહ્યા હતા.તેના કારણે બે પતંગબાજોને તકલીફ પડી હતી. એક પતંગબાજે તો આ રીતે પતંગ ચગાવનાર વ્યક્તિના પતંગો પણ ફાડી નાંખ્યા હતા. એ પછી સ્ટેજ પરથી સ્થાનિક લોકોને નાની પતંગો નહીં ચગાવવા માટે અપીલ કરવામાં આવી હતી અને જો એ પછી પણ કોઈ પતંગ ચગાવતા પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. મેદાન પર ગોઠવાયેલી સિક્યુરિટી દ્વારા પણ પતંગબાજો સિવાયના લોકોને પતંગ ચગાવતા રોકવામાં નહોતા આવ્યા. જેના કારણે સિક્યુરિટીને પણ આવા લોકોને શોધીને બહાર કાઢવા માટે આયોજકોએ ટકોર કરવી પડી હતી.


