For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કિશન ભરવાડ હત્યા કેસ : આરોપી મૌલાના કમર ગનીના જામીન હાઇકોર્ટે ફગાવી દીધા

Updated: Sep 24th, 2022

Article Content Image

અમદાવાદ,તા.24 સપ્ટેમ્બર 2022,શનિવાર

ચકચારભર્યા કિશન ભરવાડ હત્યા કેસના આરોપી મૌલાના કમર ગની ઉસ્માનીની જામીનઅરજીમાં ગુજરાત હાઇકોર્ટે પોતાનો અનામત રાખેલો ચુકાદો આજે ખુલ્લી અદાલતમાં જાહેર કર્યો હતો. હાઇકોર્ટે આરોપી મૌલાના કમર ગની ઉસ્માનીના ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ તેને જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને તેની જામીન અરજી ફગાવી દીધી હતી. 

પોલીસને ચાર્જશીટ રજૂ કરવા અવધિ વધારી આપી તે રદ કરવાની આરોપીની અરજી ફગાવાઇ

આ કેસમાં સ્પેશ્યલ કોર્ટે તપાસનીશ એજન્સીને ચાર્જશીટ રજૂ કરવા માટે સમયમર્યાદા વધારી આપતી અવધિને રદબાતલ ઠરાવવા પણ મૌલાના કમર ગનીએ અરજી કરી હતી, તે પણ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, સોશ્યલ મીડિયામાં ઇસ્લામ ધર્મ વિશે વાંધાજનક ટિપ્પણી કરવાના પ્રકરણમાં અદાવત રાખી ધંધુકાના કિશન ભરવાડની તા.૨૫-૧-૨૦૨૨ના રોજ જાહરેમાં કમકમાટીભરી હત્યા કરવામાં આવી હતી. ચકચારભર્યા આ હત્યા કેસમાં આરોપી મૌલાના કમર ગની ઉસ્માનીએ ડિફોલ્ટ બેઇલના ગ્રાઉન્ડ પર જામીન માંગ્યા હતા કે, પોલીસે તપાસ ૯૦ દિવસમાં પૂર્ણ કરી નથી, તેથી તેને જામીન આપવા જોઇએ. પોલીસ અરજદારને જાણ કર્યા સિવાય તપાસમાં કોઇ એક્ષ્ટેન્શન માંગી શકે નહી. જો કે, સરકારપક્ષ તરફથી આરોપીની જામીન અરજીનો સખત વિરોધ કરાયો હતો કે, આરોપી ખૂબ જ ગંભીરના પ્રકારના મર્ડર કેસમાં સંડોવાયેલો છે અને તેની વિરૂધ્ધ પ્રથમદર્શનીય મજબૂત પુરાવાઓ છે. વળી, તપાસના એક્ષ્ટેન્શન મુદ્દે પણ આરોપીપક્ષને પોલીસ દ્વારા સમયસર જાણ કરાયેલી જ છે, તેથી તેની એ દલીલ પણ અસ્થાને છે. આમ ગુનાની ગંભીરતા જોતાં અને આરોપીના ગુનાહિત કૃત્યને ધ્યાને લેતાં આવા કેસમાં હાઇકોર્ટે આરોપીને જામીન આપવા જોઇએ નહી. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે મૌલાનાની જામીન સહિતની બંને અરજીઓ ફગાવી દીધી હતી. 

વધુ વાંચો : ગુજરાતમાં કિશન ભરવાડ હત્યા કેસની તપાસમાં NIA પણ જોડાઈ

Gujarat