Get The App

'જેટલું નુકસાન એટલું વળતર આપો': અમરેલી પહોંચેલી કિસાન આક્રોશ યાત્રામાં કોંગ્રેસે સરકાર પાસે કરી માગ

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
'જેટલું નુકસાન એટલું વળતર આપો': અમરેલી પહોંચેલી કિસાન આક્રોશ યાત્રામાં કોંગ્રેસે સરકાર પાસે કરી માગ 1 - image

Kisan Akrosh Yatra Reach Amreli:  ખેડૂતોના પડતર પ્રશ્નો અને કમોસમી માવઠાના નુકસાન સામે ચાલી રહેલું 'ખેતી બચાવો સત્યાગ્રહ' આંદોલન આજે શનિવારે વધુ ઉગ્ર બન્યું હતું. સોમનાથથી નીકળેલી 'કિસાન આક્રોશ યાત્રા' અમરેલીના આંગણે આવી પહોંચતા રાજકીય ગરમાવો આવ્યો હતો. કોંગ્રેસના અગ્રણી નેતાઓ ટ્રેક્ટર મારફતે અમરેલીના રાજકમલ ચોક ખાતે ચાલી રહેલા ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા, અને એક સૂરમાં સરકારે જાહેર કરેલા પાક નુકસાન સહાય પેકેજને ખેડૂતોની મજાક ગણાવી હતી. કોંગી નેતાઓએ એકસૂરે જણાવ્યું હતું કે, 'માત્ર દેવા માફી જ ખેડૂતોની સમસ્યાનો ઈલાજ છે અને દેવા માફીથી જ ખેડૂતો ફરી બેઠા થઈ શકશે.'

પાક વીમા યોજના હોત તો ખેડૂતોએ માંગવું ન પડેત

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, પાક વીમા યોજના હોત તો ખેડૂતોએ સરકાર પાસે માંગવું ન પડેત, જેને જેટલું નુકશાન થયું છે એટલું વળતર આપવામાં આવે તેવી પણ માગ કરાઈ છે. પાક વીમા યોજના ન હોવા મુદ્દે સરકારની ટીકા કરતા સાંસદે ઉદાહરણ આપ્યું હતું કે, સુરતની GJ-5 દોઢ કરોડની ગાડીનો અકસ્માત થાય તો માલિકને ચિંતા ન થાય કારણ કે વીમો હોય છે. જો આજે ખેડૂતો પાસે વીમા યોજના હોત તો જેનું જેટલું નુકસાન થયું એટલું વળતર મળ્યુ હોત અને સરકાર પાસે આમ માંગવું ન પડ્યું હોત.

કોંગ્રેસ સાંસદના સરકાર પર આકરા પ્રહાર

શક્તિસિંહે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં કોંગ્રેસની સરકાર રહી છે, ત્યાં ખેડૂતોના દેવા માફ થયા છે.  વધુમાં તેમણે સરકાર પર કટાક્ષ કરતા સવાલ કર્યો કે, બહાર ભાગી ગયેલા ઉદ્યોગકારોના દેવા માફ કરી શકતા હો તો અમારા ખેડૂતનો વાંક શું છે?

કોંગ્રેસની મુખ્ય માંગણીઓ

- ગુજરાતમાં બંધ થયેલી પાક વીમા યોજના તાત્કાલિક ફરીથી શરૂ કરવામાં આવે, જેથી ખેડૂતોને નુકસાન થાય તો તેમને સરકાર પાસે માંગવું ન પડે અને નુકસાન મુજબ વળતર મળી રહે.

- કમોસમી માવઠાના મારથી આત્મહત્યા કરનાર ખેડૂતોના પરિવારને રૂ. 25 લાખનું વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે.

- ખેડૂતોના તમામ પ્રકારના ખેત ધિરાણ (Crop Loan) અને કૃષિ લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવે.

- 2 હેક્ટરની મર્યાદા નહીં, પરંતુ જેનું જેટલું વાવેતર છે તે મુજબ વળતર ચુકવવામાં આવે.

સરકારની સહાયને 'નાટક' ગણાવી

કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે આક્ષેપ કર્યો હતો કે, 'સરકારે સહાયના નામે નાટક કરીને ખેડૂતોની મજાક કરી છે. આ સહાય ગૃહિણીના બજેટમાં મીઠું-ચટણી સમાન છે.' તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે સરકારે દેવા માફા કરવા પડશે, નહીંતર અમરેલીથી શરૂ થયેલી આ લડાઈ આખા ગુજરાતમાં ફરશે. બીજી તરફ દુધાતે દેવા માફી માટે પત્ર લખનાર ભાજપના ધારાસભ્યોને અભિનંદન પણ પાઠવ્યા હતા.'

કલેક્ટરને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર

ધરણા પ્રદર્શન પૂર્ણ થયા બાદ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પાલ આંબલિયા સહિતના કોંગી નેતાઓ અને ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે અમરેલી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજી હતી. ત્યાં ખેડૂતોને સ્પર્શતા 15 મુદ્દાઓનું આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું, અને ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાની રજૂઆત કરાઈ હતી.