સુરેન્દ્રનગર ખાતે ખેડુતોના વિવિધ પ્રશ્નો અંગે કિસાન અધિકાર યાત્રા યોજાઈ
અતિવૃષ્ટિની સહાય, પાક વિમો, પોષણક્ષમ ભાવો, પશુપાલકોને દુધ ઉત્પાદકના સારા ભાવ, જમીન માપણી સહિતના મુદ્દે રેલી યોજાઈ
જીલ્લા કલેકટર સુધી યોજાયેલ રેલીમાં ખેડુતો સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિતા રહ્યાં
સરકાર દ્વારા માંગો પુરી નહિં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ
સુરેન્દ્રનગર - સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં ખેડૂતોને ભાજપ સરકારની બેવડી નીતિ તેમજ પોષણક્ષણ ભાવો નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે અનેક વખતે રજૂઆતો બાદ પણ કોઈ જ ઉકેલ નહી આવતા સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ કાર્યાલય થી જીલ્લા કલેક્ટર કચેરી સુધી વિવિધ બેનરો સાથે કિશાન અધિકાર યાત્રા યોજી રેલી યોજી ખેડૂતોના પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી હતી અને ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે અને ખેડૂતો ખેતી દ્વારા સમૃધ્ધ બન્યા છે. પરંતુ ભાજપ સરકારની બેવડી નીતિના કારણે ખેડૂતોની હાલત વધુ કફોડી બની ગઈ છે. જેમાં જીલ્લામાં ગત વર્ષ ૨૦૨૪માં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલ નુકશાન અંગે હજુ સુધી સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી નથી, ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવો નહી મળતા આથક નુકશાન સહન કરવું પડે છે. તેમજ ખેતીમાં વપરાતા બિયારણ, ખાતર, જંતુનાશક દવાને કર મુક્ત કરવામાં આવે, તમામ ખેત ઉત્પાદનોને એમએસપી ના કાયદા હેઠળ આવરી લેવામાં આવે, નકલી બિયારણ અને ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, પશુપાલકોને દૂધ અને દૂધ ઉત્પાદનના પોષણક્ષમ ભાવ ચૂકવવામાં આવે અને જૂની જમીન માપણી રદ કરી નવેસરથી નિયમ મુજબ અને પારદર્શક રીતે ફરીથી માપણી કરવામાં આવે સહિતની વિવિધ માંગો સાથે સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ કાર્યાલયથી જીલ્લા કલેક્ટર સુધી વિવિધ લખાણો સાથેના પોસ્ટરો અને ટ્રેક્ટર સાથે કિશાન અધિકાર યાત્રા યોજી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ આગામી દિવસોમાં સરકાર દ્વારા તમામ માંગો પૂરી કરવામાં નહી આવે તો ધરણા, રેલી, ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ તકે આગેવાનો દ્વારા ભાજપ સરકાર પર ખેડૂતોના પ્રશ્નો અંગે આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા. આ કિશાન અધિકાર યાત્રામાં જીલ્લાભરમાંથી ખેડૂતો સહિત આગેવાનો વિક્રમભાઈ રબારી, શક્તિસિંહ ઝાલા, રણજીતસિંહ ઝાલા સહીતનાઓ ઉપસ્થિત રહ્યાં હતા.