Gujarat

'મને ન્યાય અપાવજો' કહી કીર્તિ પટેલ કોર્ટ પરિસરમાં ધ્રુસ્કે - ધ્રુસ્કે પડી

By GS TEAM
23 Feb 20262 mins read
'મને ન્યાય અપાવજો' કહી કીર્તિ પટેલ કોર્ટ પરિસરમાં ધ્રુસ્કે - ધ્રુસ્કે  પડી

આજે અન્ય ગુનામાં ભવનાથ પોલીસમાં હાજર થવા ફરમાન : જૂનાગઢના મૃગીકુંડમાં સ્નાન બાદ મહિલા PIની ફરજમાં રૂકાવટ અને ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં પોલીસ કાર્યવાહી કરશે 

જૂનાગઢ, : વિવાદાસ્પદ કીર્તિ પટેલના રિમાન્ડ પુરા થતાં પોલીસ તેને કોર્ટમાં રજૂ કરવા લાવી ત્યારે કીર્તિ પટેલ પોલીસ વાનમાંથી ઉતરી ધ્રુસ્કે - ધ્રુસ્કે વા લાગી હતી અને મીડિયાને કહ્યું હતું કે, 'મને ન્યાય અપાવજો.' બાદમાં પોલીસે ધક્કા મારી કોર્ટ કમ્પાઉન્ડમાં લઈ લીધી હતી. આવતીકાલે ભવનાથ પોલીસ સ્ટેશનના ગુનામાં ૧૧ વાગ્યે હાજર થવા પોલીસે કીર્તિને નોટિસ આપી છે.

શિવરાત્રીની રાત્રે મૃગીકુંડમાં સ્નાન કરવાના મુદ્દે શરૂ થયેલા વિવાદ બાદ કીર્તિ પટેલ સામે અલગ-અલગ ત્રણ ગુના દાખલ થયા હતા. મહિલા પીઆઈની ફરજમાં રૂકાવટ, મૃગીકુંડમાં સ્નાન કરવાથી ધાર્મિક લાગણી દુભાવવાનો ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જ્યારે અબઝલ સીડા પાસે 20 લાખની ખંડણી માંગવાનો અને જો ન આપે તો બળાત્કારના ખોટા કેસમાં ફીટ કરાવી દેવાનો ગુનો તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. તાલુકા પોલીસમાં નોંધાયેલા ગુનામાં ગઈકાલે કીર્તિ પટેલની ધરપકડ કર્યા બાદ રિમાન્ડની માંગ સાથે રજુ કરવામાં આવી ત્યારે કોર્ટે આજે બપોર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં તાલુકા પોલીસની ટીમ  તેને ફરીવાર કોર્ટમાં રજુ કરવા માટે લાવી હતી. કોર્ટ પરિસરમાં પોલીસ વાનમાંથી કીર્તિ પટેલને ઉતારી ત્યારે તે ધુ્રસકે-ધુ્રસકે રડવા લાગી અને કહેતી હતી કે, 'મીડિયા મને ન્યાય અપાવજો.' આ વાત કરતી હતી ત્યારે પોલીસે તેને ધક્કો મારી કોર્ટ રૂમ તરફ લઈ ગયા હતા.

કોર્ટ રૂમમાં કોઈ જાય નહી તે માટે પોલીસે ત્યાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બાદમાં બંને પક્ષ વચ્ચે દલીલો થયા બાદ કોર્ટે કીર્તિ પટેલને જામીન પર મુક્ત કરવા આદેશ કર્યો હતો. આ ઘટના દરમ્યાન ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે દાખલ થયેલા ગુનામાં તા. 24ના 11 કલાકે હાજર થવા પોલીસ દ્વારા તેને નોટિસ આપવામાં આવી છે. હવે પોલીસ ધાર્મિક લાગણી દુભાવવાના અને પીઆઈની ફરજમાં રૂકાવટના ગુનામાં કાર્યવાહી કરશે.

ફરિયાદી સનાતન ધર્મ પાળતા નથી અને હિન્દુ નથી તેવી દલીલ

કીર્તિ પટેલના વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી કે, ફરિયાદી અબઝલ સીડા સનાતન ધર્મ પાળતા નથી, તેઓ હિન્દુ ધર્મના વ્યક્તિ નથી, માત્ર યુટયુબમાં ઓળખ ધરાવે છે, પ્રથમ વખત ફિનાઈલ પીધું ત્યારે તેના મમ્મી ઘરે હતા, બીજી વખત ઘરની બહાર નીકળી ફિનાઈલ પીધું ત્યારે અજાણી મહિલાએ 108માં ફોન કરી જેતપુર દવાખાને લઈ ગયેલ પરંતુ જ્યારે પ્રથમ વખત ઘરે ફિનાઈલ પીધુ ત્યારે તેમના મમ્મી હાજર હોવા છતાં તેમણે પોલીસને એકપણ ફોન કર્યો નથી, આ ઉપરાંત કીર્તિ પટેલે અબઝલ સીડા પાસેથી ખંડણીની માંગણી કે કોઈ ધમકી આપેલ હોય તેવો ઉલ્લેખ ફરિયાદમાં નથી. આવા અનેક કારણોને ધ્યાને લઈ કોર્ટે શરતોને આધિન કીર્તિને જામીન મુક્ત કરી છે.