For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદના ચીટર કિરણ પટેલે ખાતામાં 113 રૂપિયા હતા અને સામે 78 લાખના ચેક આપ્યા હતા

- કિરણ પટેલે વડોદરામાં ધારાસભ્ય સીમા મોહિલે સાથે ગત વર્ષે ગરબાનું આયોજન કર્યુ હતું, અમદાવાદમાં કિરણ સામે રૂ.78 લાખની છેતરપિંડીની ફરિયાદ થઇ હતી

Updated: Aug 8th, 2019

Article Content Image

વડોદરા, તા.8 ઓગસ્ટ 2019, ગુરૂવાર

વડોદરા ખાતે ગત વર્ષે નવલખી મેદાન પર અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલે દ્વારા આયોજીત  'કલાનગરી ગરબા મહોત્સવ'નું પડદા પાછળનું ભેજું એવા અમદાવાદના બંસી ઉર્ફે કિરણ જગદીશભાઇ પટેલ અને તેના ભાઇ મનિષ જગદિશભાઇ પટેલે ગત વર્ષે અમદાવાદના બે  નિવૃત્ત ડીવાયએસપી, એક નિવૃત્ત પી.આઇ., બે નિવૃત્ત પીએસઆઇ સહિતના લોકો સાથે ગાડીઓ ભાડે મેળવવાના નામે રૃ.૭૮ લાખની છેતરપિંડી કરી હતી.

વડતાલ મંદિરમાં ગાડી ભાડે મુકવાના નામે બે નિવૃત્ત ડીવાયએસપી, એક પીઆઇ, બે પીએસઆઇ મળી પાંચ જણ સાથે  છેતરપિંડી કરી હતી

રૃ.૭૮ લાખની છેતરપિંડી અંગે વાત કરતા નિવૃત્ત ડીવાયએસપી એમ.કે.પરમારે કહ્યું હતું કે 'હું કિરણ અને તેના ભાઇ મનિષના પરિવારને વર્ષોથી ઓળખું છું. ગત વર્ષે ફેબુ્રઆરી ૨૦૧૭માં મનિષ મારી પાસે આવ્યો હતો અને મને કહ્યું હતું કે વડતાલ સ્વામીનારાય મંદિરના મહંત સ્વામી મારી ઓળખાણમાં છે અને મંદિરમાં સંતો માટે ગાડીઓ જોઇએ છે જો તમારે ગાડી મુકવી હોય તો ગાડીનું પેટ્રોલ ડિઝલ તથા ડ્રાઇવર મંદિર તરફથી રહેશે અને તમને ગાડીના ઘસારા પેટે દર મહિને રૃ.૨૫ થી ૩૦ હજાર મળશે. જેથી મારી ગાડી તથા મારી જેમ નિવૃત પોલીસ અધિકારી મિત્રોએ મળીને કુલ ૧૮ ગાડીઓ વડતાલ મંદિરમાં ભાડેથી મુકવા માટે મનિષ અને કિરણ પટેલ લઇ ગયો હતા. 

જે બાદ દર મહિને ભાડુ આપવામાં કિરણ ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતા અને તે પછી તો મનિષ, તેની પત્ની બન્નેના ફોન જ સ્વિચ ઓફ થઇ ગયા હતા અને ૧૮ ગાડીઓ ક્યાં છે તેનો કોઇ પત્તો નહી મળતા અમે બધા ટેન્શનમાં આવી ગયા હતા અમે કિરણ પટેલ સાથે વાત કરી તો કિરણે અમને ગાડીઓની કુલ કિંમત આશરે રૃ. એક કરોડ થતી હોવાથી તેના પેટે રૃ. ૪૦ લાખ અને રૃ.૩૮ લાખના મળીનકુલ રૃ.૭૮ લાખના બે ચેક આપ્યા હતા.

કિરણે તેના જે બેંક એકાઉન્ટમાંથી ચેક આપ્યા હતા તેમાં તપાસ કરતા જાણવા મળ્યુ કે તેના બેંક એકાઉન્ટમાં માત્ર રૃ.૧૧૩ જ હતા. અમે ફરીથી કિરણનો સંપર્ક કરીને અમારી ગાડીઓ પાછી આપવા કહેતા તેમણે અમારા ઉપર રોફ જમાવ્યો હતો અને કહ્યું હતું કે તમારાથી થાય તે કરી લો એટલે અમારે આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પડી હતી. આ કેસમાં કિરણ પટેલની પોલીસે અટકાયત કરી હતી જ્યારે તેનો ભાઇ મનિષ, ભાભી દર્શના હજુ પણ પોલીસના હાથમાં નથી આવ્યા.

Gujarat