Get The App

કિંખલોડ બે બાઈક વચ્ચે અકસ્માત : પુત્રનું સારવારમાં મોત, પિતાને ઈજા

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
કિંખલોડ બે બાઈક વચ્ચે અકસ્માત : પુત્રનું સારવારમાં મોત, પિતાને ઈજા 1 - image

- ભાદરણ-વડોદરા હાઇવે માર્ગ પર આવેલા 

- ભાદરણ પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી 

આણંદ : બોરસદના ભાદરણ-વડોદરા હાઇવે માર્ગ ઉપર આવેલા કિંખલોડ નજીક બે બાઈકો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. આ અકસ્માત મામલે ભાદરણ પોલીસે રોંગ સાઈડમાં ધસી આવીને અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

વડોદરાના પાદરા ખાતે રહેતા રાજુભાઈ પૂનમભાઈ પરમારના ભાઈ હરેશ તથા તેમના પિતા પૂનમભાઈ રવિવારે બાઈક લઈને રાસ અમીયાદ દવાખાને ગયા હતા. ત્યારબાદ સાંજના સુમારે પિતા-પુત્ર ભાદરણ તરફથી બાઈક લઈને ઘર તરફ આવી રહ્યાં હતા. દરમિયાન તેમની બાઈક ભાદરણ-વડોદરા હાઇવે પર આવેલા કિંખલોડ ગામની એક હોટલ નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે સામેથી રોંગ સાઈડ ધસી આવેલા અન્ય બાઇક ચાલકે પોતાનું બાઈક પૂરઝડપે હંકારી હરેશભાઈના બાઈક સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો. જેને લઇ બાઈક ઉપર સવાર પિતા-પુત્ર બંને રોડ ઉપર પટકાયા હતા. અકસ્માતની જાણ થતા સ્થાનિકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને ૧૦૮ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હરેશભાઈ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન હરેશભાઈનું મોત થયું હતું. ભાદરણ પોલીસે આ અકસ્માત મુદ્દે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.