જટીલ સર્જરી : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપીથી દૂર કરાઈ

Ahmedabad Civil Hospital: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરના જટીલ કેસ સામે આવ્યો છે. જેમાં 25 વર્ષ પહેલા જે કિડનીમાંથી કેન્સરની ગાંઠ દૂર કરી હતી તેમાં ફરીથી કેન્સરની ગાંઠ થતાં લેપ્રોસ્કોપિક સર્જરી કરીને દર્દીનો જીવ બચાવાયો છે. સિવિલના યુરોલોજી વિભાગમાં 56 વર્ષીય દર્દી છેલ્લા 3 મહિનામાં અંદાજે 10 કિલો વજન ઘટવાની સમસ્યા લઇને આવ્યા હતા. તેમને છેલ્લા 8 વર્ષથી ડાયાબિટિસની પણ સમસ્યા હતી.
કિડનીના કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપીથી દૂર કરાઈ
દર્દીને વર્ષ 2000માં ડાબી કિડનીના નીચલા ભાગમાં કેન્સરની સારવાર માટે ઓપન લેફ્ટ પાર્શિયલ નેફેક્ટોમી એટલે કે કિડનીનો કેન્સરથી ખરાબ થઇ ગયેલો નીચેનો ભાગ માત્ર દૂર કરીને સર્જરી કરાઇ હતી. દર્દીના પેટના ભાગનો સિટી સ્કેન કરાવતા આ વખતે ડાબી કિડનીના ઉપરના પોલના મઘ્ય ભાગમાં 34 બાય 28 સાઇઝનો કેન્સરવાળો ભાગ જોવા મળ્યો હતો.
ધુમ્રપાન, બ્લડ પ્રેશર, ફેમિલી હિસ્ટ્રી હોય તો કિડનીનું કેન્સર થવાનું જોખમ વધારે
આ પછી યુરોલોજી વિભાગના વડા ડૉક્ટર શ્રેણિક શાહ અને તેમની ટીમ દ્વારા ખૂબ જ જટીલ એવી દૂરબીનથી દર્દીની કિડનીના કેન્સરની અસરવાળા ભાગને દૂર કરવાનું ઓપરેશન કરાયું હતું. ડૉક્ટરોના મતે ઘુમ્રપાન, બ્લડપ્રેશર, ફેમિલી હિસ્ટ્રી અને યુવા વયમાં રીનલ શેલ કારશીનોમા કેન્સર થવાનું જોખમ વધારે હોય છે.
આ પણ વાંચો: દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની, WHOની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, 'છેલ્લા એક વર્ષથી યુરોલોજી વિભાગમાં કિડનીની પથરી લેસરથી તોડી સારવારની સુવિધા, થ્રી-ડી લેપ્રસ્કોપીની સુવિધા શરૂ કરાઇ છે.'