વડોદરા,એમ.એસ.યુનિવર્સિટીથી કારમાં ભરૃચ જવા નીકળેલા યુવક યુવતીને સુશેન સર્કલ નજીક આંતરીને પોલીસની ખોટી ઓળખ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું. યુવકને ડરાવી ધમકાવી સાડા ચાર લાખ પડાવી લીધા હતા. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૃચ શેરપુરા રોડ પર મદીના પાર્ક સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષનો અફાન ઉસ્માનભાઇ કાની ઓન લાઇન ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. તેણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૨ મી તારીખે બપોરે હું તથા મારી ગર્લફ્રેન્ડ કારમાં વડોદરા એમ.એસ.યુનિવર્સિટીથી ભરૃચ જતા હતા. અમારી કારનો ડ્રાઇવર નબીલ શેખ હતો. અઢી વાગ્યે સુશેન સર્કલ તરફ જતા આર્મી કેમ્પ આગળ રોડ પર એક સ્કોર્પિયો કારના ચાલકે અમને ઊભા રાખ્યા હતા. અમે એસ.ઓ.જી. અમદાવાદના પોલીસના માણસો છીએ. તેવું કહી મને ડરાવ્યો હતો. કારમાં બેઠેલા એક વ્યક્તિએ પોતાની ઓળખ યાજ્ઞિાક સાહેબ, બીજાએ આફતાબ પઠાણ તથા ત્રીજાએ પોતાની ઓળખ અમદાવાદ એસ.ઓ.જી. પોલીસ તરીકે આપી હતી. તેઓ અમારી કારમાંથી મારી ગર્લ ફ્રેન્ડને ઉતારી તેઓની કારમાં બેસાડીને લઇ ગયા હતા. જ્યારે અન્ય બે આરોપીઓ મને તથા ડ્રાઇવરને બળજબરીથી કારમાં બેસાડી અમદાવાદ લઇ ગયા હતા. તેઓએ મારી પાસેથી બળજબરીથી સાડા ચાર લાખ પડાવી લીધા હતા. ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું છે કે, હજી યુવતીની ભાળ મળી નથી. અમને આજે જ ફરિયાદ મળતા હવે તપાસ શરૃ કરી છે.
આરોપીઓએ ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી ૫૦ લાખ માંગ્યા હતા
વડોદરા,
ધમકીથી ગભરાઇ ગયેલા અફાને આોરપીઓને કહ્યું કે, તમારે જે જોઇએ તે લઇ લો પણ મને છોડી દો. આરોપીઓએ મારી પાસે ૫૦ લાખ માંગ્યા હતા.ત્યારબાદ તેઓ મને વડોદરા પરત લઇ આવ્યા હતા. મેં મારા ભાઇ પાસેથી ચાર લાખ ભરૃચથી મંગાવ્યા હતા. બાકીના પ૦ હજાર મેં એ.ટી.એમ.માંથી ઉપાડીને આપ્યા હતા. પોલીસે આ એ.ટી.એમ.ના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી હાથ ધરી છે.
.
અમારા પી.આઇ. સાહેબ તને ઉંધો લટકાવીને માર મારશે
વડોદરા,
ફરિયાદીએ કહ્યું છે કે, મને તથા ડ્રાઇવર નબીલ શેખનું અપહરણ કરી અમદાવાદ સી.ટી.એમ.રોડ પર લઇ ગયા હતા. આરોપીઓએ મને એક કાગળ બતાવી કહ્યું કે, અમારી પાસે તારા ડોક્યુમેન્ટ્સ છે. તું શું કામ કરે છે ? કેવા કામ કરે છે ? તે અમને બધી ખબર છે. તેઓએ ધમકી આપી હતી કે, અમારા પી.આઇ. સાહેબ તને ઉંધો લટકાવી મારશે.


