પ્રેમિકાને લઈ ફરાર યુવકની માતા અને ભાઈ-ભાભીનું અપહરણ
અમદાવાદ,તા.27 ઓગષ્ટ 2022,શનિવાર
સોલાના ઓગણજ ગામનો યુવક લપકામણ ગામમાં રહેતી પ્રેમિકાને લઈને ફરાર થઈ જતા યુવતીના પરિવાજનોએ બુધવારે સાંજે યુવકની માતા અને ભાઈ-ભાભીનું અપહરણ કરી લપકામણ ગામમાં આવેલા ખેતરમાં ગોંધી રાખ્યા હતા. આરોપીઓએ યુવકના પરિવારને ગોંધી રાખી મારમાર્યા તેમજ યુવકની માતા સાથે ઝપાઝપી કરી ટોપ ફાંડી નાંખી જાનથી મારવાની ધમકી આપી હતી. યુવકના પરિવારના સભ્યોનું અપહરણ થયાની ફરિયાદ થયાની જાણ થતાં આરોપીઓ પરિવારના સભ્યોને સોલા પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાં સમાધાન કર્યું હતું. જો કે, ધાકધમકીથી ડરી ગયેલા યુવકના પરિવારે ફરિયાદ કરવાનો નિર્ણય લેતા સોલા પોલીસે ગુરૂવારે દસ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
યુવકના ભાઈને મારમારી આરોપીઓની માતા સાથે ઝપાઝપી:સોલામાં દસ જણા સામે ફરિયાદ
સોલાના ઓગણજ ગામમાં રહેતા ધૂ્રવીલ દિપક પટેલ (ઉં,૨૩)એ સોલા પોલીસ સ્ટેશનમાં લપકામણ ગામમાં રહેતા રોહીત પટેલ, મયુર પટેલ, મનિષ, ચેતનભાઈ, પુનમભાઈ, ભાવિનભાઈ, જયશ્રીબહેન, રાજવીબહેન, ચેતનાબહેન અને હંસાબહેન વિરૂદ્ધ અપહરણ કરી મારમારી ધમકી આપવાની તેમજ માતાનું ટોપ ફાંડી શારિરીક છેડછાડ અંગેની ફરિયાદ કરી છે. જે મુજબ ગત તા.૨૨મી ઓગષ્ટના સાંજથી ફરિયાદી ધુ્રવીલનો ભાઈ હર્ષિત ગૂમ થઈ ગયો હતો. ગત તા.૨૪મીના રોજ ધૂ્રવીલ તેની માતા અને પત્ની સાથે ઘરે હાજર હતા. તે સમયે તેના મોસાળમાં રહેતાં રોહીત પટેલ સહિતના લોકો અલગ અલગ ફોર વ્હીલરમાં આવ્યા હતા. ધૂ્રવીલને મયુર પટેલ નામનો શખ્સે અચાનક મારમારવાનું શરૂ કરતા ફરિયાદીએ મને કેમે મારો છો, તેવો સવાલ કરતા આરોપીએ તારો ભાઈ કયાં છે તેમ પૂછતાં ધૂ્રવીલે હું કઈ જાણતો નથી તેમ કહ્યું હતું.
મયુર પટેલે સહિતના છ લોકોએ તું ખોટું બોલે છે તેમ કહી છરી બતાવી અને ધમકી આપી કે, તું પોલીસ કેસ કરીશ તો તને જાનથી મારી નાંખીશું. બાદમાં આરોપીઓ અલગ અલગ ગાડીઓમાં ધુ્રવીલ, તેની પત્ની સ્નેહાબહેન અને માતા પિન્કીબહેનને બળજબરી પૂર્વક બેસાડી અપહરણ કરી લપકામણ ખાતે રાકેશ પટેલના ખેતરમાં લઈ ગયા હતા.
રોહીત પટેલ તેમજ મયુર પટેલ સહિતના છ આરોપીઓએ લોખંડની પાઈપથી ધૂ્રવીલને મારમારી તેના ભાઈ હર્ષિતને બોલાવવા અને તેઓની બહેન ફોરમને હાજર કરવા જણાવ્યું હતું. જો કે ધૂ્રવીલે પોતે સાત દિવસથી હોસ્પિટલમાં હોવાનું અને કઈ જાણતો ન હોવાનું કહ્યું હતું. બાદમાં આરોપીઓ ધૂ્રવીલ અને તેની માતાને પૂનમભાઈના ઘરે લઈ જઈ અલગ અલગ રૂમમાં રાખ્યા હતા.
તે સમયે ત્યાં હાજર ચાર જેટલી મહિલાઓએ ધૂ્રવીલના માતા સાથે ઝપાઝપી કરી તેમજ રોહિતે તેઓનું ટોપ ફાડી નાંખ્યું હતું. તે પોલીસમાં ફરિયાદ થયાની જાણ થતા આરોપીઓ ધુ્રવીલ અને તેની માતાને સોલા પોલીસ સ્ટેશને લઈ ગયા જ્યાં સગાસબંધીઓએ વચ્ચે રહી સમાધાન કરાવ્યું હતું. પોલીસ સ્ટેશનથી બહાર નિકળ્યા બાદ આરોપીઓએ ફરિયાદ કરશો તો ઘરના પાંચે સભ્યોને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી બાદમાં પણ પિછો કરવાનું ચાલુ રાખ્યું હતું. બનાવને પગલે ધુ્રવીલ પટેલે અપહરણના બીજા દિવસે ગુરૂવારે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.