Get The App

ખીજડીયા પક્ષી અભયારણ્ય રામસર સાઇટ તરીકે ઘોષિત

Updated: Feb 3rd, 2022

GS TEAM


Google News
Google News
ખીજડીયા પક્ષી અભયારણ્ય રામસર સાઇટ તરીકે ઘોષિત 1 - image


દેશમાં રામસર સાઇટની સંખ્યા થઇ 49 તે પૈકી ગુજરાતમાં 4 - પર્યાવરણની દ્રષ્ટીએ ખૂબ વિશિષ્ઠ હોય તેવા ભેજવાળા સ્થળોને પ્રવાસી પક્ષીઓના સંવર્ધનની પ્રાકૃતિક સંભાવનાને ધ્યાને લઇ રામસર સાઇટ તરીકે ઘોષિત કરી સંરક્ષણ અપાય છે

 જામનગર, : ગુજરાતના ગૌરવમાં વધુ સિધ્ધીનો ઉમેરો થયો છે. જામનગર જિલ્લાના સુવિખ્યાત ખીજડીયા પક્ષી અભયારણ્યને વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિત્તે રામસર સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાએ ભારતના બે અભયારણ્ય ગુજરાતના જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્ય અને ઉત્તરપ્રદેશના બખીરા અભયારણ્યને રામસર સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. આ સાથે જ હવે દેશમાં રામસર સાઇટની સંખ્યા કુલ 49 થઇ છે. 

વિશ્વભરમાં પક્ષીઓની અનેક જાતો વિવિધ ઋતુઓમાં અન્ય દેશોમાં પ્રવાસ કરે છે. આ પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન હેતુ વર્ષ 1960ના દાયકામાં જે વેટલેન્ડ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતા હોય તે સાઇટના રક્ષણ માટે વિવિધ દેશોની સરકાર વચ્ચે મંત્રણાઓ થઇ હતી.અને વર્ષ ૧૯૭૧માં ઇરાનના રામસર શહેર ખાતે નિષ્ણાંતો વચ્ચે ચર્ચાઓ થઇ હતી. જેને રામસર સંધી તરીકે ઓળખવામાં આવી છે. પક્ષીઓના રક્ષણ માટે આ ચર્ચાઓના આધારે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. 1971માં ઇરાનના રામસરમાં પર્યાવરણની રીતે ખાસ મહત્વ ધરાવતી આદ્રભૂમિને સંરક્ષણ આપવાનો કરાર થયો હતો. યુનેસ્કો સાથે સંલગ્ન રહીને આ રામસર કન્ઝર્વેશન ભેજવાળી જમીનમાં સજીવોનું વૈવિધ્ય ધરાવતા સ્થળોને સંરક્ષિત કરવાની ભલામણ કરવામાં આવેલ છે. રામસર સંધિ પર થયેલા હસ્તાક્ષરને અનુલક્ષીને દર  વર્ષે 2જી ફેબુ્રઆરીના રોજ વૈશ્વિક આર્દ્રભૂમિ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

ભારતમાં કુલ 49 રામસર સાઇટ થઇ છે. જેમાં આ શ્રેણીમાં સાઇટનું પ્રથમ બહુમાન 1981માં ઓડિસાના ચિલકા તળાવ અને રાજસ્થાનના દેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાગનને મળ્યું હતું. પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ હોય એવા આદ્ર (ભેજવાળા) સ્થળોને જ્યાં પ્રવાસીઓનાં સંવર્ધનની પ્રાકૃતિક સંભાવનાઓને ધ્યાને લઇ રામસર સાઇટ તરીકે ગણના કરી આંતરરાષ્ટ્રીય સંધિ પ્રમાણે તે સાઇટને સંરક્ષણ આપવામાં આવે છે. દર વર્ષે તેમાં નવા નવા સ્થળો ઉમેરવામાં આવે છે. 

વર્ષ 2012માં ગુજરાતના નળ સરોવરને પ્રથમ રામસર સાઇટ જાહેર કર્યા બાદ મહેસાણા પાસેનું થોળ સરોવર અને ડભોઇ નજીકનું વઢવાણા તળાવને પણ રામસર યાદીમાં સ્થાન અપાયા બાદ ગુજરાતના જામનગર શહેર નજીક આવેલ ખીજડીયા પક્ષી અભયારણ્યનો સમાવેશ કરતા કુલ હાલ સુધીમાં ગુજરાતની 4 સાઇટને અને દેશની કુલ 49 સાઇટ્સને રામસર સંરક્ષણ યાદીમાં સમાવિષ્ટ થવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. 

રામસર સાઇટ એટલે શું?

રામસર એક પ્રકારનો આંતરરાષ્ટ્રીય કરાર છે. જેના અંતર્ગત જળ સંતૃપ્ત વિસ્તારની જાળવણી અને તેના સંવર્ધન માટે પગલાં લેવાઇ રહ્યાં છે. રામસર યાદીનો મૂળ ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય જળ સંતૃપ્ત જમીનના નેટવર્કનેવિકસાવવાનો અને જાળવવાનો છે. જે વૈશ્વિક જૈવિક વિવિધતાના સંરક્ષણ માટે અને તેની ઇકો સિસ્ટમના ઘટકો, પ્રક્રિયાઓ અને લાભોની જાળવણી દ્વારા સસ્ટેનેબલ (ટકાઉક્ષમ) માનવજીવન માટે ઘણંન મહત્વ ધરાવે છે. આ પ્રકારની જમીનો ભોજન, પાણી, ભૂગર્ભ જળ રિચાર્જ, પાણીનું શુદ્ધિકરણ, ખાદ્ય આધુનિકીકરણ, જમીનના ધોવાણમાં નિયંત્રણ અને આબોહવા નિયમન સહિત પર્યાવરણ સંરક્ષણની વ્યાપક શ્રેણીમાં મહત્વપૂર્ણ સંશાધનો અને ઇકો સિસ્ટમ સેવાઓ પ્રદાન કરે છે. ખરેખરમાં તે, પાણી માટે એક મોટો સ્ત્રોત છે. તાજા મુખ્ય પુરવઠો સંખ્યાબદ્ધ જળ સંતૃપ્ત જમીનોમાંથી આવે છે. જે વરસાદી પાણીને શોષવામાં અને ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં મદદ કરે છે એમ માનવામાં આવે છે. જેથી સંતૃપ્ત જમીનોનું સંરક્ષણએ પ્રકૃતિના સંરક્ષણનો મુખ્ય આધાર ગણી શકાય છે. 

6.05 કિ.મી.ના વિસ્તારમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય ફેલાયેલું છે 

ખીજડીયા પક્ષી અભયારણ્ય એ 6.05 કિ.મી.ના વિસ્તારમાં તાજા પાણીના તળાવો, ખારા તેમજ મીઠા પાણીનાં ખાબોચિયાં ધરાવતું હોવાથી અલગ તરી આવે છે. દેશની આઝાદી પૂર્વે રૂપારેલ નદીનાં પાણીને દરિયામાં વહી જું રોકવા માટે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. વર્ષો વીત્યે એક બાજુ વરસાદ અને નદીનું તાજું પાણી અને બીજી તરફ દરિયાનું ખારૂં પાણી હોઇ એક અલગ વિસ્તારનું નિર્માણ થયું. ખીજડીયા પક્ષી અભયારણ્ય કચ્છની ખાડીમાં જામનગર જિલ્લાના ઉત્તર - પૂર્વ દરિયાકિનારે રૂપારેલ નદી અને કાલિન્દ્રી નદીના સંગમ પાસે આવેલું છે.અને તેથી એકદમ ખાસ અને અલગ જીવસૃષ્ટિ ધરાવે છે. ભારતના જાણીતા પક્ષી નિષ્ણાંત સલીમ અલીએ 1984માં ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી ત્યારે એક દિવસમાં પક્ષીઓની 104 જાતો શોધી કાઢી હોવાનું નોંધાયું હતું.

Tags :