ખેડબ્રહ્માના રતનપુરમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 3 બાળકો દટાયાં, બેનાં કરૂણ મોત
AI Image |
Wall Collapse in Khedbrahma : સાબરકાંઠા જિલ્લામાં વરસી રહેલો ભારે વરસાદ હવે યમદૂત બની રહ્યો છે. ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર ગામે વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થતાં મકવાણા પરિવારના 3 બાળકો દટાઈ ગયા હતા, જે પૈકી બે બાળકોનો કરુણ મોત નિપજયાં હતાં. જયારે અન્ય એક બાગકને ગંભીર હાલતમાં ખેડબ્રહ્માની ખાનગી હોસ્પિટલમાં પારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર બતાવામાં આવી રહી છે. આ કરૂણાંતિકાના પગલે ખેડબ્રહ્મા મામલતદાર તથા ટી.ડી.ઓ. સહિતનો સ્ટાફ દુર્ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અનુસાર સાબરકાંઠા જિલ્લામાં ઉત્તર ગુજરાતનો મોસમનો સૌથી વધુ 41 ટકા વરસાદ ખાબકતાં ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનો જોખમી બની પાયા સહિત કાટમાળ તૂટવા લાગ્યો છે. ત્યારે રવિવારે રાત્રે ખેડબ્રહ્મા તાલુકામાં અનરાધાર વરસાદ વરસતો હતો ત્યારે રતનપુર ગામના મકવાણા પરિવારની કાચા મકાનની દીવાલ પડાકા સાથે તૂટી પડતાં ઘરમાં ઉંઘી રહેલા બાળકો ઉપર કાટમાળ પડતાં દટાયા હતા અને રાત્રે પરિવારજનો તથા આસપાસથી મદદ માટે આવેલા લોકોએ કાટમાળ હટાવ્યો પરંતુ દટાઈ જવાના કારણે 2 બાળકના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે ખેડબ્રહ્માની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
મકવાણા પરિવારના 2 બાળકોના દીવાલ પડવાથી કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં માતમ છવાયો છે. જ્યારે તલાટી ક્રમ મંત્રી દ્વારા તાબડતોબ સ્થળ ઉપર પહોંચી પંચનામું કરી મૃત્યુ પામેલા બાળકોની જણવા જોગ અરજી તથા એફ.આર.ભાઈ. દાખલ કરવા ખેરોજ પોલીસ સ્ટેશને લેખિત જાણ કર્યાનું પણ જાણવા મળ્યું છે.
મૃતક બાળકો
દિલીપ મકવાણા, ઉ.5 વર્ષ
આશા મકવાણા, ઉ.7 વર્ષ (બંને રહે રતનપુર, તા. ખેડબ્રહ્મા)
ઈજાગ્રસ્ત
રવિન્દ્ર ખેમાભાઈ મકવાણા (રહે.રતનપુર, તા.ખેડબ્રહ્મા)
જોખમી કાચાં મકાનોથી દુર્ઘટના દોહરાવાની દહેશત
સાબરકાંઠા જિલ્લામાં સતત વરસાદના કારણે 129 કાચાં મકાનોને નુકસાન થયા પછી અસંખ્ય મકાનોના પાયા હચમચી ગયા છે. જેના કારણે આગામી સમયમાં ધોધમાર વરસાદ સમયે ગ્રામ્ય વિસ્તારોમાં રતનપુર જેવી દુર્ઘટના ફરીથી દોહરાવાની દહેશત છે.