કપડવંજમાં કરંટ લાગવાથી બે યુવકોનાં શંકાસ્પદ મોત, ઇન્ટરનેટ કનેક્શનનું કામ કરતા હોવાનું અનુમાન
AI IMAGE |
Kheda News: ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં એક દર્દનાક ઘટના બની છે, કપડવંજના નંદની પ્લાઝા કોમ્પ્લેક્સમાંથી બે યુવકોના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં બંને યુવકોનું કરંટ લાગવાથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, મૃતક યુવકોની ઓળખ કપડવંજ તાલુકાના બાપુજીના મુવાડા ગામના રહેવાસી દીપકકુમાર જશવંતભાઈ પરમાર અને સિધ્ધરાજ ભવાનસિંહ પરમાર તરીકે થઈ છે. આ બંને યુવકો ઇન્ટરનેટ કનેક્શનના કેબલ નાખવાનું કામ કરતા હતા. મોડી રાત્રે નંદની પ્લાઝા કોમ્પ્લેક્સમાં કામ કરતી વખતે તેઓને અકસ્માતે કરંટ લાગ્યો હોય, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં જ કપડવંજ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને યુવકોના મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને તેમના મોતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે. આ ઘટનાથી બાપુજીના મુવાડા ગામ અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.