Gujarat

ખેડા જિ.પં.ના કર્મચારી સાથે રૂ. 2.46 લાખની છેતરપિંડી

By GS TEAM
22 Nov 20252 mins read
ખેડા જિ.પં.ના કર્મચારી સાથે રૂ. 2.46 લાખની છેતરપિંડી

- યસ બેન્કના મેનેજરની ખોટી ઓળખ આપીને

- તમારૂ ક્રેડિટકાર્ડ બંધ થઈ ગયું છે, એક્ટિવ કરવા વોટ્સએપ ફાઈલ મોકલી અને પૈસા ઉપડી ગયા 

નડિયાદ :  ખેડા જિલ્લા પંચાયતમાં નોકરી કરતા કર્મચારીને 'હું યસ બેન્કનો મેનેજર બોલું છું', તેવી ખોટી ઓળખ આપીને, 'તમારું ક્રેડિટ કાર્ડ બંધ થઈ ગયું છે', તે એક્ટિવ કરી આપવાના બહાને વોટ્સએપ ફાઈલ મોકલી વિગતો ઓનલાઇન સબમિટ કરવાનું જણાવ્યું હતું. જે બાદ કર્મચારીના ખાતામાંથી દસ ટ્રાન્જેક્શન કરીને રૂ.૨,૪૬,૧૯૯ની છેતરપિંડી કરી હતી.

નડિયાદના બાલાજી પાર્ક સોસાયટી મંજીપુરામાં રહેતા પંકજભાઈ ડાયાભાઈ વાલા ખેડા જિલ્લા પંચાયત કચેરીમાં આરોગ્ય વિભાગમાં નોકરી કરે છે. ગત તા.૮ નવેમ્બરે બપોરે તેમના મોબાઈલ પર સંતોષ જયસ્વાલ નામે યસ બેન્કના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી મેનેજર બોલું છું, તેવો કોલ આવ્યો હતો. શખ્સે જણાવ્યું હતું કે, તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ન હોવાથી તમારું ક્રેડિટ કાર્ડ બંધ થઈ ગયું છે. આ ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરી આપવાનું કહી વોટ્સએપ ઉપર ફાઈલ મોકલી અને ફાઈલ ઓપન કરી તેમાં માગ્યા મુજબની વિગતો ભરી ઓનલાઇન સબમીટ કરવાનું જણાવ્યું હતું.

પંકજભાઈ વાલાએ ફાઈલમાં વિગતો ભરી ઓનલાઈન સબમીટ કરતા તેમના મોબાઈલ ઉપર ૧૦ ટ્રાન્ઝેક્શન થયાના ટેક્સ મેસેજ આવ્યા હતા. આમ ફાઇલમાં ઓનલાઇન વિગતો સબમીટ કરાવી તેમના ખાતામાંથી ૧૦ ટ્રાન્ઝેક્શન કરી રૂ.૨,૪૬,૧૯૯ ઓનલાઇન ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે પંકજભાઈ ડાયાભાઈ વાલાની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા મોબાઈલ ધારક સામે સાયબર ફ્રોડનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.