Get The App

ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણીથી ભડકો 4 નેતા સહિત હોદ્દેદારોના રાજીનામા

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણીથી ભડકો 4 નેતા સહિત હોદ્દેદારોના રાજીનામા 1 - image


- નવા પ્રમુખને પ્રથમ ગ્રાસે મક્ષિકા : આમંત્રણ પત્રિકામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ સહિતના નેતાઓના નામોની બાદબાકી

- ખેડા જિલ્લા ઉપપ્રમુખ, તાલુકા પ્રમુખ, હાથ સે હાથ જોડો સમિતિના પ્રવક્તા, મહામંત્રીના રાજીનામા : 100 થી વધુ કાર્યકર્તાઓનો છેડો ફાડવાની ચિમકી

નડિયાદ : ખેડા જિલ્લા કોંગ્રેસમાં નવા પ્રમુખની વરણી થતાં જ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. નવા પ્રમુખ દ્વારા કાર્યભાર સંભાળવાના આમંત્રણ પત્રમાંથી પક્ષના કેટલાક દિગ્ગજ અને સક્રિય નેતાઓના નામોની બાદબાકી થતા કોંગ્રેસમાં ભડકો થયો છે. ત્યારે ખેડા જિલ્લા ઉપપ્રમુખ, તાલુકા પ્રમુખ, હાથ સે હાથ જોડો સમિતિના પ્રવક્તા અને મહામંત્રી સહિતના હોદ્દેદારો, કાર્યકર્તાઓએ રાજીનામા ધરી દેતા નવા પ્રમુખને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ સર્જાઈ છે.

ખેડા જિલ્લા કોંગ્રેસમાં નવા પ્રમુખ કાળુસિંહ ડાભીની વરણી થતા જ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. કાળુસિંહ ડાભીએ તા. ૨૮મી જૂનના રોજ કાર્યભાર સંભાળ્યો તે પ્રસંગે યોજાયેલા સમારંભના નિમંત્રણ પત્રમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના મજબૂત પાટીદાર નેતા દિનશા પટેલનું નામ ન હોવાથી ભારે નારાજગી વ્યાપી છે. એટલું જ નહીં, 'હાથ સે હાથ જોડો' અભિયાનના જિલ્લા પ્રમુખ નલિન બારોટનું નામ પણ નિમંત્રણ પત્રમાં ન હોવાથી કાર્યકર્તાઓમાં ભારે વિરોધ જોવા મળ્યો છે. આ અવગણનાના વિરોધમાં 'હાથ સે હાથ જોડો' સમિતિના પ્રવક્તા દિલીપભાઈ ગઢવી, મહામંત્રી પોચુભા ખુમાનસિંહ સિસોદિયા, ખેડા તાલુકા પ્રમુખ લાલજીભાઈ પરમાર અને જિલ્લા ઉપપ્રમુખ બાબુભાઈ ગઢવી સહિતના અગ્રણી કાર્યકર્તાઓએ રાજીનામા આપી દીધા છે. રાજીનામા ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ચંદ્રશેખર ડાભીને અને 'હાથ સે હાથ જોડો'ના પ્રમુખ નલિનભાઈ બારોટને સુપરત કરવામાં આવ્યા છે. આ ઘટનાક્રમ જોતા, આવનારા સમયમાં ૧૦૦થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી છેડો ફાડી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ જેવા મજબૂત પાટીદાર સમાજના નેતાને કોંગ્રેસ પાર્ટી દ્વારા ભૂલી જવા એ શરમજનક બાબત હોવાનું પણ કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. આ આંતરિક ખેંચતાણ આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે.

આ રેસનો કે લગ્નનો ઘોડો ? : કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય

નવા પ્રમુખ કાળુસિંહ ડાભીની વરણીને લઈને તેઓ 'રેસનો ઘોડો' છે કે 'લગ્નનો ઘોડો' તે અંગે કોંગ્રેસી કાર્યકર્તાઓ જ ટીખળ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા આવ્યા હતા, ત્યારે તેમણે ઘોડાનું ઉદાહરણ આપીને પક્ષની સ્થિતિ અંગે ટકોર કરી હતી. ત્યારે રાહુલ ગાંધીની ટકોર બાદ પણ કોંગ્રેસમાં કોઈ સુધારો ન આવતા, કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી છે.

Tags :