દસ્ક્રોઈના વાંચ ગામે સીમમાં ઝાડ સાથે લટકી ખેડાના યુવકે આત્મહત્યા કરી
- સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યો હોવાની સુસાઈટ નોટ મળી
- લગ્ન બાદ 4 વર્ષથી સાસરી ધામતવણમાં રહેતાં યુવક સાથે પત્ની, સાસુ-સસરા અવારનવાર મારપિટ કરી ઘરમાંથી કાઢી મૂક્તા હતા
ખેડા જીલ્લાના સિહોલડી ગામમાં રહેતા યુવક દિલીપભાઈ ભઈજીભાઈ ચુનારા (ઉ.વ.૩૫)ના આજથી ચારેક વર્ષ પહેલાં ધામતવણ ખાતે રહેતા વિક્રમ ચુનારાની પુત્રી સંગીતા સાથે લગ્ન થયાં હતાં. લગ્નબાદ યુવક તેના સાસરી ધામતવણ ખાતે રહેતો હતો. અને પરિવારમાં જ્યારે પણ સારા- નરસાં પ્રસંગ આવે ત્યારે યુવક ગામડે આવતો જતો રહેતો હતો.
ગત તા.૧૫ના રોજ રામપુરા પાટીયાથી વાંચ ગામ જતાં રસ્તા પરના એક ખેતરમાં લીમડાના ઝાડ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને યુવકે આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે હાથીજણમાં રહેતાં યુવકના ફઈ લીલીબેન મારફતે યુવકના મોટાભાઈ ભરતભાઈને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયાં હતાં.
આ દરમિયાન પોલીસ પણ ત્યાં દોડી આવીને તપાસ કરતાં યુવકના ખીસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં યુવકની પત્ની સંગીતા તેમજ સસરા વિક્રમ અને સાસુ જનકબેન બધાં સાથે મળીને યુવક સાથે મારઝૂડ કરી અવારનવાર ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકતા હતાં. સસરા દારૂ પીને ઝઘડો કરીને હાથાપાઈ કરતાં હતાં. યુવકે તેની પત્નીને અલગ રહેવા જવાનું કહેતાં સાસુ ના પાડી આડશ બનતા હતાં. એટલું જ નહીં, સંગીતાએ તેના પતિને ઘરમાંથી કાઢી મૂક્યાં બાદ પોતાના વતન બગડોલ ગામ ખાતે રહેવા જઈ યુવકને તેને છોડી દેવાનું જણાવ્યું હતું.
જેથી આ બાબતનું યુવકને લાગી આવતા તેમણે આત્મહત્યા કરી લીધી હોવાનું સુસાઈડ નોટમાં જણાવ્યું હતું. આ અંગે યુવકના મોટાભાઈએ ફરિયાદ નોંધાવતા વિવેકાનંદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.