Gujarat

ધોળકા તાલુકામાં વરસાદથી 54 હેકટરમાં ખરીફ પાકનો સોથ વળ્યો

By GS TEAM
1 Nov 20252 mins read
ધોળકા તાલુકામાં વરસાદથી 54 હેકટરમાં ખરીફ પાકનો સોથ વળ્યો

- શાકભાજી અને ફૂલોની ખેતીને પણ મોટું નુકસાન

- ખેડૂતોએ સરકાર પાસે સર્વે હાથ ધરી વળતર અને દેવા માફીની માંગણી કરી 

બગોદરા : હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કમોસમી વરાસદ પડી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડયું છે. ખાસ કરીને ધોળકા તાલુકામાં ૫૪,૧૪૧ હેક્ટરમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. 

ધોળકા તાલુકામાં મુખ્યત્વે ડાંગર (૪૪,૯૩૫ હેક્ટર), કપાસ (૮૨૩ હેક્ટર), એરંડા (૬૨૪ હેક્ટર), મઠ (૪૦૦ હેક્ટર), શાકભાજી (૨,૧૧૭ હેક્ટર), ઘાસચારો (૧,૧૭૨ હેક્ટર) અને ગુવાર (૭૦ હેક્ટર) નો સમાવેશ થાય છે. આ કમોસમી વરસાદના કારણે ડાંગર, કપાસ, એરંડા, મઠ, શાકભાજી, ઘાસચારો અને ફૂલોની ખેતીમાં ભારે નુકસાન થયું છે.

ધોળકાના નેસડા, આંબારેલી, ભેટાવાડા સહિતના ગામોમાં ખેડૂતો દ્વારા ફૂલોની ખેતી અને શાકભાજીનું વાવેતર વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. કમોસમી વરસાદના કારણે બાગાયત ખેતીમાં પણ મોટું નુકસાન થયું છે. ?ખેડૂતોને ફૂલોની ખેતીમાં પ્રતિ વીઘા દીઠ આશરે ૮૦,૦૦૦ જેટલો મોટો ખર્ચ થાય છે.? જ્યારે ડાંગરના પાકમાં વીઘા દીઠ ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ જેટલો ખર્ચ થાય છે. વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં, ખેડૂતોને આ કરેલો ખર્ચ પણ પાછો મળે તેમ નથી, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ખેડૂતોની માગણી છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી વધારેમાં વધારે વળતર આપવામાં આવે. આ ઉપરાંત, આ ભારે નુકસાનના કારણે ખેડૂતો દેવામાં ડૂબી ન જાય તે માટે, ખેડૂતોના દેવા માફ કરવાની પણ તેઓ ખાસ માંગણી કરી રહ્યા છે.