પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતાં ખંભાતના યુવાનનો બાવળામાં આપઘાત
- ઘટના પહેલાનો વીડિયો વાયરલ
- પોલીસની નજર સામે હાથની નસ કાપી કોમ્પ્લેક્સના ચોથા માળેથી કૂદી ગયો : પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી
બગોદરા : બાવળામાં પ્રેમ સંબંધમાં નિષ્ફળતા મળતા ખંભાત તાલુકાના યુવકે હોટલના ચોથા માળેથી પોલીસના હાજરીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. યુવકે મોતની છલાંગ લગાવતા પહેલા હાથની નસ કાપી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે.
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ધુવારણ ગામનો રહેવાસી નરેન્દ્રસિંહ ઉર્ફે ગોવિંદ ડાહ્યાભાઈ સિંધા (ઉં.વ.૨૭)ને ખંભાત તાલુકાના રાલજરાજપુર ગામની એક યુવતી સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમમાં હતો. યુવતીએ નરેન્દ્ર સાથે પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા નિરાશ થઈને ગત ૭ ઓગસ્ટથી નરેન્દ્ર ઘરબાર છોડીને બાવળાની આશ્રિત હોટલમાં આવી ગયો હતો.
દરમિયાન ૯મી ઓગસ્ટની રાત્રે બે વાગ્યા આસપાસ નરેન્દ્ર આત્મહત્યા કરવા માટે આશ્રિત હોટલના ચોથા માળે ધાબા પર ચડી ગયો હોવાની જાણ પોલીસ કંટ્રોલરૂમને થતા બાવળા પોલીસ તરત જ ઘટના સ્થેળ પહોંચી ગઈ હતી. પોલીસે હોટલ નીચે ગાદલા પાથરી ઉભા હતા. પોલીસે યુવકને આત્મહત્યા ન કરવા માટે અંદાજે દોઢથી બે કલાક સુધી સમજાવ્યો તેમ છતાં પોલીસને વાત નહીં માની હાથની નસ કાપી મોતની છલાંગ લગાવી આત્મહત્યાં કરી લીધી હતી. આ ઘટના પહેલાનો વીડિયો વાયરલ થયો છે. બાવળા પોલીસ યુવકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે બાવળા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો. પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.