ખંભાળિયાના વંગડી ડેમનું કામ 28 વર્ષથી અધૂરું, જળ હવન યોજી નવતર વિરોધ પ્રદર્શન

ડેમનું કામ અધૂરું હોવાના કારણે અનેક ગામોના ખેડૂતો સિંચાઈથી વંચિત
એક મહિનામાં ડેમનું કામ શરૂ નહીં થાય તો જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ થવા નહીં દેવાની ચિમકી
છેલ્લા ૨૮ વર્ષથી વંગડી ડેમનું કામ અધૂરું પડયું છે. આ કામ અધૂરું હોવાના કારણે અનેક ગામોના હજારો ખેડૂતો સિંચાઈથી વંચિત છે . અને અનેક ખેડૂતોને હજુ સુધી વળતર પણ મળ્યું નથી. ડેમનું કામ શરૂ થયા બાદ આજે આટલા વર્ષો બાદ પણ કાઢીઆનું કામ બાકી છે. ત્યારે આજે ડેમના સ્થળે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં જળ હવન યોજી નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરાયું હતું.તેમાં અનેક ગામોના ખેડૂતો જોડાયા હતા.
આ તકે આપના આગેવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૮ વર્ષથી વંગડી ડેમનું કામ અધૂરું પડયું છે.જો આ કામ પૂરું થાય તો આઠ ગામોને સિંચાઈનું પાણી મળી શકે એમ છે અને બીજા ૧૫ ગામોના તળ ઊંચા આવે તેમ છે જેનાથી આ લોકો ત્રણ ઉપજ લઈ શકે તેમ છે. અહીંયા એક વીઘા જમીનના ભાવ ૧૫ થી ૨૦ લાખ રૂપિયા બોલાઈ રહ્યા છે ત્યાં ખેડૂતોને ૧૫૦૦૦ રૂપિયા આપવામાં આવે તે કઈ રીતે ચલાવી શકાય? ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે અને કાઢીઆનું કામ તથા ડેમનું કામ એક વર્ષમાં પૂરું કરી દેવા માંગ કરી હતી. જો એક મહિનામાં કામ શરૂં નહીં કરાય તો જિલ્લામાં કોઇ પણ સરકારી કાર્યક્રમ થવા દઈશું નહીં તેવી ચિમકી આપના આગેવાનો દ્વારા અપાઇ છે.









