Get The App

ખંભાળિયા-દ્વારકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: રાજકોટના બે યુવાનોના કમકમાટીભર્યા મોત

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
ખંભાળિયા-દ્વારકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: રાજકોટના બે યુવાનોના કમકમાટીભર્યા મોત 1 - image
AI IMAGE

Road Accident on Dwarka-Khambhalia Highway: દ્વારકા-ખંભાળિયા હાઈવે પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં રાજકોટ નજીકના ગઢકા ગામના બે યુવાન મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત ઢોર સાથે કાર અથડાતા થયો હતો, ત્યારબાદ કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી ટ્રક સાથે ટકરાઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના ગઢકા ગામના બે મિત્રો રાજકોટથી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. તેમની કાર જ્યારે ખંભાળિયા-દ્વારકા હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા એક ઢોર સાથે તેમની કાર અથડાઈ હતી.

આ ટક્કર એટલી જોરદાર હતી કે ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવ્યા બાદ કાર ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી બાજુએ જઈ ચડી હતી અને તે જ સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર કારમાં સવાર પ્રીતરાજસિંહ અને પ્રતિપાલસિંહ નામના બંને મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતના સમાચાર ગઢકા ગામમાં પહોંચતા શોકનો માહોલ છવાઈ ગયો હતો. બે યુવાનોના અકાળે અવસાનથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. આ ઘટનાએ ફરી એકવાર રસ્તા પર રઝળતા પશુઓના કારણે થતા અકસ્માતોની ગંભીરતા તરફ ધ્યાન દોર્યું છે.


Tags :