પગાર ઓછો પડતા એમેઝોનના ડીલીવરી બોયે લાખોના મોબાઇલ ચોર્યા
૪૯ લાખના મોબાઇલ ચોરી કરનાર ઝડપાયો
આરોપી યુવક ચોરીના ૫૦ મોબાઇલ ફોન વેચાણ કરીને રાજસ્થાન, કેરળ અને ગોવા ફરવા ગયો હતો
અમદાવાદ,શનિવાર
એમેઝોન કંપનીના ડીસ્ટ્રીબ્યુરને ત્યાં ડીલીવરી બોય તરીકે કામ કરતો યુવક ૪૯ લાખની કિંમતના ૧૬૪ મોબાઇલ ફોન અને અન્ય મત્તા ચોરીને ફરાર થઇ ગયો હતો. જેને ખાડિયા પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે ઝડપીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પગાર ઓછો મળતો હોવાથી મોજશોખ કરવા માટે તેણે પાર્સલ ગ્રાહકોને આપવાના બદલે ચોરી કર્યા હતા અને ૫૦ જેટલા મોબાઇલ ફોન વેચીને નાણાં મેળવીને તે રાજસ્થાન, ગોવા અને કેરળ ફરવા જતો રહ્યો હતો. જો કે પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે તેને ઝડપીને ૧૧૪ જેટલા મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ખાડિયા ગોળલીમડામાં આવેલા એમેઝોનના ડીસ્ટ્રીબ્યુર સેન્ટરમાં કામ કરતો ડીલીવરી બોય મોહંમદ શબ્બીર મન્સુરી તેની ઓફિસથી ૧૭૧ જેટલા પાર્સલ લઇને ગ્રાહકોને આપવા માટે નીકળ્યો હતો. જેમાં ૪૯ લાખની કિંમતના ૧૬૪ જેટલા મોબાઇલ હતા અને અન્ય ચીજવસ્તુઓ હતી. તે તમામ પાર્સલ ગ્રાહકોને આપવાને બદલે ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. આ અંગે ખાડિયા પોલીસે ગુનો નોંધીને ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ કરીને તેને ઝડપી લીધો હતો અને તેની પાસેથી પોલીસે ૧૧૪ જેટલા મોબાઇલ ફોન અને અન્ય પાર્સલ જપ્ત કર્યા હતા.
પ્રાથમિક તપાસમં જાણવા મળ્યું હતું કે તેણે આ ચોરીના મોબાઇલ ફોન પૈકી આશરે ૫૦ જેટલા મોબાઇલ ફોન અલગ અલગ જગ્યા પર વેચાણ કરીને નાણાં મેળવ્યા હતા. ત્યારબાદ તે રાજસ્થાન, કેરળ અને ગોવા ફરવા માટે ગયો હતો. આ અંગે ખાડિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ચિરાગ ગોસાઇએ જણાવ્યું કે ચોરીના મોબાઇલ જે લોકોએ ખરીદી કર્યા છે. તે તેમની પાસેથી રીકવર કરવાની કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે અને અન્ય કોઇની આ કેસમાં સંડોવણી હશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.