મેડિકલ વિદ્યાર્થીઓને કોવિડ-19ની જવાબદારીમાંથી મુક્ત રાખો
- ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની માંગ
- આવા કપરા સમયમાં મેડિકલ વિદ્યાર્થી અનિચ્છનિય પગલું ભરશે તો સરકારની જવાબદારી
અમદાવાદ, તા. 25 જુલાઇ, 2020, શનિવાર
સરકારના અવારનવાર પરિપત્રોના આધાર પર મેડિકલ વિદ્યાર્થીઓને કોવિડ-19ની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે તેવી ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા માગણી કરવામાં આવી છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને એક જણાવ્યું છે કે, 'વૈશ્વિક મહામારી કોવિડ-19માં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સરકાર સાથે મળીને છેલ્લા કેટલાક મહિનાઓથી કાર્યરત છે. ભારત સરકારના પરિપત્ર અનુસાર મેડિકલ વિદ્યાર્થીઓને કોઇપણ કાર્ય ન કરાવવા આદેશ આપવામાં આવેલો છે.
આમ છતાં હાલમાં કેટલીક મેડિકલ કોલેજ દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓને ધાકધમકીથી ફરજીયાત કોવિડ-19નું કાર્ય કરવાની ફરજ પાડવામાં આવેલી છે, જે વિદ્યાર્થીઓના આરોગ્ય-માનસિક પરિસ્થિતિને નુકસાન કરી શકે તેમ છે.
કેટલાક અધિકારીઓની દાદાગીરી, તાનાશાહી, મનઘંડત નિર્ણયોના કારણે શાંતિ પાણીમાં પથ્થર નાખી વાતાવરણ બગાડવાનો નિમ્ન પ્રયાસ કરી રહ્યા છે. જેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આવા કપરા સમયમાં કોઇ પણ મેડિકલ વિદ્યાર્થી અનિચ્છનિય પગલું ભરશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.