'કલ્પેશ સર પાછા જોઇએ છે..'સુરતમાં આચાર્યની બદલી થતાં વિદ્યાર્થીઓ-વાલીઓનો ચક્કાજામ
Teacher Tranfer Protest : સુરતના કઠોદરા ગામમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળામાં શિક્ષકની બદલી થતાં ભારે બબાલ સર્જાઈ છે. શિક્ષકની બદલીના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કલાકો સુધી ચક્કાજામ કરી દીધો હતો. 'અમારા કલ્પેશ સરને પાછા લાવો નહીં તો અમારું ભણાવાનું બંધ થઇ જશે'ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ વાહનો સામે રસ્તા પર સૂઈ ગયા હતા, અને આ વિરોધમાં વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિરોધ પ્રદર્શન પાછળ સિક્યુરિટી ગાર્ડ કૌભાંડના મુખ્ય આરોપી કાળુ પોશિયા અને તેની પત્ની રિંકલ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવો એ ખૂબ જ ગંભીર અને ગેરવ્યાજબી બાબત છે. વિદ્યાર્થીઓનો ઉપયોગ કરનારાઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.
સિક્યુરિટી ગાર્ડ કૌભાંડ બાદ શિક્ષકની બદલીથી રોષ
મહત્ત્વનું છે કે, તાજેતરમાં જ આ જ શાળામાં સિક્યુરિટી ગાર્ડ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. આ કૌભાંડ બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી અને શિક્ષણ સમિતિ દ્વારા જવાબદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે શાળાના આચાર્ય અને વ્યવસ્થાપક સમિતિના સભ્યોને શાળામાંથી દૂર કરવામાં આવ્યા હતા. આ મામલાની ગરમાગરમી હજુ શાંત પડી નહોતી ત્યાં તો શાળાના આચાર્ય કલ્પેશ પટેલની બદલીનો નિર્ણય આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
આચાર્ય અને સભ્યને પાછા લાવવાની માંગ
સિક્યુરિટી ગાર્ડ કૌભાંડમાં શાળાની વ્યવસ્થાપક સમિતિના સભ્ય રિંકલ પોશીયાના પતિ કાળુ પોશીયાની પોલીસે ધરપકડ કરી હતી. બીજી તરફ, વિદ્યાર્થીઓએ આચાર્ય કલ્પેશ સર, રિંકલબેન અને કાળુભાઈને પાછા લાવવાના નારા લગાવી રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને વિરોધ કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓની અટકાયત કરી હતી.
હેતલબેન બાબરિયાએ જણાવ્યું હતું કે સિક્યુરિટી ગાર્ડ એક સાથે બે જગ્યાએ નોકરી કરે , 5 હજારમાં કેમનું પોસાય, અમારી શાળાના પ્રિન્સિપાલે સહી કરી હતી. સુરતની 400 સરકારી સ્કુલોમાં આવું જ ચાલે છે તો શિક્ષણમંત્રીએ અમારી સ્કૂલને જ કેમ ટાર્ગેટ કરી? પ્રિન્સિપાલને જ કેમ ટાર્ગેટ કરાયા છે કેમ? આચાર્ય કલ્પેશ પટેલની જ બદલી કરી, કરવું હોય તો બધાની કરો.
તો બીજી તરફ શિલ્પાબેન રાદડિયાએ જણાવ્યું હતું કે સારા શિક્ષકો ઓછા છે, અને જે છે તેમની બદલી કરી નાખે છે. છોકરાઓનું ભવિષ્ય બગડે છે, જે કામ કરે છે એને કરવા દેતા નથી અને બદલી કરે છે. કલ્પેશભાઈને પરત લાવે એજ અમારી માગ છે.
વિદ્યાર્થીઓનો ઉપયોગ શા માટે?
આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, શાળાના આંતરિક વિવાદો અને વહીવટી નિર્ણયોમાં વિદ્યાર્થીઓનો ઉપયોગ વિરોધ પ્રદર્શન માટે શા માટે કરવામાં આવ્યો? નાના બાળકોને રસ્તા પર ઉતારી, ટ્રાફિક જામ કરી વિરોધ કરાવવાની આ પદ્ધતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાએ સુરતના શિક્ષણ જગતમાં અને વહીવટી તંત્રમાં ભારે ચર્ચા જગાવી છે.