કઠલાલના માલવણના પિતાએ 7 વર્ષની દીકરીને કેનાલમાં ફેંકી દીધાનો આરોપ
- પુત્રપ્રાપ્તિ માટે પુત્રીની હત્યા કે અકસ્માતે મોત અંગે રહસ્ય
- કપડવંજના વાઘાવત પુલ પરથી અકસ્માતે પડી ગયાની પોલીસે ફરિયાદ નોંધી ભાણેજની હત્યા થઈ હોવાના આક્ષેપ સાથે મોસાળપક્ષની ખેડા એસપીને રજૂઆત
કપડવંજ, નડિયાદ : આ સમગ્ર મામલે મૃતક દિકરી ભૂમિકાના મોસાળ પક્ષના દાદાએ ખેડા એસપી અને કપડવંજ ડીવાયએસપીને આક્ષેપ સાથે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મૃતક ભૂમિકાનો જન્મ થયો ત્યારથી જ તેના પિતા વિજયભાઈ સોલંકી (રહે.માલવણ, કઠલાલ) દીકરીને સ્વીકારી શક્યા ન હતા. આ કારણે જ દિકરીની માતા અંજનાબેન સોલંકીએ પુત્રી ભૂમિકાને પોતાના પિયર કપડવંજ તાલુકાના ઘઉંઆ તાબે હેમતાજીના મુવાડા ગામે મોકલી દીધી હતી. તા. ૧૦મીને ગુરુપૂણમાના રોજ, પિતા વિજયભાઈ સોલંકી, માતા અંજનાબેન સોલંકી અને સાત વર્ષની દીકરી ભૂમિકાબેન સોલંકી દીપેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા બાઈક પર નીકળ્યા હતા. માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે કપડવંજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પરના વાઘાવત પુલ ખાતે, પિતા વિજયે પગમાં ખાલી ચઢી છે તેવું કહી એકાએક બાઈક ઊભું રાખ્યું હતું. તે બાદ દિકરીને કેનાલની પાળી પર ઉભી રાખી તેને ધક્કો મારી દીધો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ગુરુપૂણમાની રાત્રે મૃતક ભૂમિકાના મોસાળ પક્ષના મામા અવિનાશભાઈ ચૌહાણ ઉપર ફોન આવ્યો અને તેમને ભૂમિકાને કેનાલમાં ફેંકી દીધાની જાણ થઈ હતી. મોસાળ પક્ષના લગભગ ૫૦ જેટલા લોકો વઘાવત કેનાલ ઉપર પહોંચ્યા અને પોલીસને બોલાવી હતી. પોલીસે શોધખોળ તા. ૧૧ જુલાઈના રોજ બે કલાકની જહેમત બાદ બપોરે અંદાજે ૧૨ વાગ્યાની આસપાસ દીકરીનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. મૃતદેહ મળ્યા બાદ પોલીસે માતા-પિતાની પૂછપરછ કરતા બંને એકબીજા ઉપર આક્ષેપો કરવા લાગ્યા હતા. માતા અંજનાએ પતિ વિજય પર દીકરીને કેનાલમાં ફેંકી દેવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે પિતા વિજય સોલંકીએ કથિત રીતે જણાવ્યું કે દીકરી ન ગમતી હોવાના કારણે અને દીકરો ન હોવાથી ક્રોધમાં આવી જઈ, દીકરો મેળવવા માટે માતાજીને બલી ચઢાવી છે તેમ કહી દીકરીને નહેરમાં ફેંકી દીધી હતી.
આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે આતરસુંબા પોલીસે શરૂઆતમાં નર્મદા કેનાલના બ્રિજ ઉપર માછલી બતાવવા જતા પિતાના હાથમાંથી દીકરી છટકીને પડી ગઈ અને પાણીમાં ડૂબી જવાથી મોત થયું તેમ નોંધીને માત્ર અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. જો કે, આ બાદ મોસાળ પક્ષે હકીકત તપાસ કરી અપરાધી પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગણી કરી હતી. જે બાદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હાલ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
મોસાળ પક્ષે વકીલ મારફતે ફરિયાદ નોંધવા માંગણી કરી
દીકરીના મોસાળ પક્ષના નાના દ્વારા વકીલ મારફતે લેખિતમાં સમગ્ર ઘટના અંગે ફરિયાદ દાખલ કરવા માટે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક, કપડવંજ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક અને આતરસુંબા પોલીસ ઇન્સ્પેક્ટરને રજીસ્ટર એડી મારફતે પત્ર મોકલી એફઆઇઆર દાખલ કરવા જણાવ્યું છે. મોસાળ પક્ષના પરિવારની એક જ માંગ છે કે દીકરી ભૂમિકાને મોતને ઘાટ ઉતારવા પાછળ માતા અંજના કે જમાઈ વિજય સોલંકી, કોઈપણ આરોપી હોય, તેની નિષ્પક્ષ તપાસ કરીને મૃતક દીકરીને ન્યાય મળવો જોઈએ.
માછલી બતાવવાના નામે દિકરીને ધક્કો માર્યોઃ દીકરીની માતા
મૃતક દીકરીની માતા અંજનાબેને આક્રંદ સાથે જણાવ્યું કે, મારો પતિ મને ખબર ન પડે તે રીતે ભૂમિકાને કેનાલની પાળી ઉપર ઊભી રાખી, માછલી બતાવું છું તેમ કહી ઉચકીને સીધી જ કેનાલમાં ધક્કો મારી દીધો. હું કંઈપણ સમજું એ પહેલા ભૂમિ કેનાલમાં પડી ગઈ અને હું જોતી રહી ગઈ. આ કૃત્ય બાદ વિજયે જબરદસ્તી અંજનાબેનને બાઈક પર બેસાડી પોતાના ઘર લઈ ગયો હતો.
તમે ફરિયાદ ન આપી શકો કહી પોલીસે આરોપીઓને છાવર્યાનો આક્ષેપ
પોલીસ દ્વારા માત્ર અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મૃતક દીકરીના મોસાળ પક્ષના પરિવારમાંથી મામા અવિનાશભાઈ ચૌહાણ અને નાના ભલાભાઈ ચૌહાણ દ્વારા નિષ્પક્ષ તપાસ અને ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી. નાના ભલાભાઈ ચૌહાણે આતરસુંબા પોલીસમાં ફરિયાદ દાખલ કરવાનું કહેતા, પોલીસે તમે ફરિયાદ ન આપી શકો તેમ કહી ફરિયાદ લેવાનો ઇન્કાર કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.