Gujarat

કાસમઆલા ગેંગના અકબર સુન્નીની જામીન અરજી નામંજૂર

By GS TEAM
22 Jun 20252 mins read
કાસમઆલા ગેંગના અકબર સુન્નીની જામીન અરજી નામંજૂર

વડોદરા, તા.22 વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં કાસમઆલા ગેંગના નવ ગુંડાઓ સામે ચાર્જશીટની મંજૂરી સરકાર દ્વારા અપાતા ટૂંક સમયમાં હવે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. જ્યારે આ ગુનામાં અકબર સુન્નીની જામીન અરજી હાઇકોર્ટે પણ નામંજૂર કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ કાસમઆલા ગેંગના ૯ આરોપીઓ વિરુધ્ધ તા.૧ જાન્યુઆરીના રોજ ગુજસીટોક હેઠળ ગુનો શહેર ક્રાઇમ બ્રાંચમાં દાખલ થતા પોલીસે તમામની ધરપકડ કરી  હતી. ઝડપાયેલા આરોપીઓ રાજ્યના અલગ-અલગ જિલ્લાની જેલોમાં છે. આ કેસમાં શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા વધુ તપાસ માટે ૯૦ દિવસનો વધુ સમય સ્પેશિયલ ગુજસીટોક કોર્ટ પાસેથી મેળવ્યો હતો. દરમિયાન પોલીસે ૯૦ દિવસમાં તપાસ પૂર્ણ કરી ન હતી અને ચાર્જશીટ પણ રજૂ કરી નહી હોવાની રજૂઆત સાથે ડિફોલ્ટ બેલ મેળવવા માટે અકબર કાદરમીયા સુન્નીએ જામીન અરજી દાખલ કરતા સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. બાદમાં અકબરે હાઇકોર્ટમાં પણ જામીન અરજી દાખલ કરી હતી પરંતુ ત્યાં પણ નામંજૂર થતાં હાલ તમામ આરોપીઓ જેલોમાં બંધ છે.

શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા આ ગુનામાં ૨૫૬ સાહેદોના નિવેદનો તેમજ અન્ય પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતાં. ૯  આરોપીઓ વિરુધ્ધ ૯૦ દિવસમાં તપાસ કરવા ગુજસીટોક કોર્ટ પાસેથી મંજૂરી મેળવ્યા બાદ તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આરોપીઓ વિરુધ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવા દરખાસ્ત તૈયાર કરી તમામ પુરાવાઓ સાથે પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસવડા દ્વારા ગૃહ વિભાગને દરખાસ્ત મોકલવામાં આવી હતી. ત્રણ વર્ષથી વધુની જોગવાઇવાળા ગુના અને પુરાવાઓ ધ્યાનમાં રાખી ૯ આરોપીઓ વિરુધ્ધ ચાર્જશીટ માટે મંજૂરી આપી દેવાઇ હતી.