વડોદરા: કોપરના વાયરોની ચોરી કરનાર ટોળકીને કારેલીબાગ પોલીસે ઝડપી પાડી
Image Source: Freepik
વડોદરા, તા. 25 સપ્ટેમ્બર 2023 સોમવાર
ગણેશ મહોત્સવને લઈને અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ કમિશનર દ્વારા સતત પેટ્રોલિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. જેના આધારે કારેલીબાગ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે ત્રણ મહીલાઓએ ત્રણ ચાર દિવસ પહેલા કારેલીબાગ જીલ્લા શીક્ષણ તાલીમ કચેરીની સામે આવેલી નિવૃત્ત કોલોનીમાં શ્રી ગોકુલ-૨/એમાંથી ચોરી કરેલા કોપરના વાયરો પ્લાસ્ટીકની બે મોટી થેલીમા મૂકી વેચવાની ફીરાકમાં ફરી રહ્યા છે અને હાલ ખાસવાડી સ્મશાન રોડ ઉપર ચાલતી જાય છે. જેના આધારે પોલીસે બાતમી મુજબના સ્થળ પર પહોંચી મહિલાઓને પકડી પાડી હતી. તેમની પાસે થેલીઓમાં ભરેલી વસ્તુ અંગે આધાર પુરવા રજુ કરવા જણાવતા તેને પોતાની પાસે નહી હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરવા લાગી હતી. જેથી સઘન પુછપરછ કરતા આ કોપરના વાયર થોડા દિવસ પહેલા વહેલા સવારે કારેલીબાગ નિવૃત્ત કોલોનીમાં શ્રી ગોકુલ-૨/એમાંથી દિવાલમા લગાડેલ કોપરના વાયરો કાપી ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી.જેથી પોલીસે કંચનબેન અશોકભાઇ દંતાણી ઉ.વ.૨૮ રહે,દશામાતા મંદિર પાસે ઝુપડપટ્ટી લક્ષ્મીપુરા રોડ ગોરવા વડોદરા,અનિતાબેન લાધુભાઇ દંતાણી ઉ.વ.૨૦ રહે,દશામાતા મંદિર પાસે ઝુપડપટ્ટી લક્ષ્મીપુરા રોડ ગોરવા વડોદરા અને તેજલ મહેશભાઇ દંતાણી ઉ.વ.૧૯ રહે,દશામાતા મંદિર પાસે ઝુપડપટ્ટી લક્ષ્મીપુરા રોડ ગોરવા પાસેથી ચોરીની 14050 રૂપિયાનો મુદામાલ સાથે ધરપકડ કરી કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરી છે.