કરાટેના કોચે સગીરા ઉપર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દીધી
કોલવડા ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં ભાગ લેવા લઈ જઈ
અમદાવાદની સગીરાને કોચિંગ આપતો હતો તે દરમિયાન પ્રેમ જાળમાં
ફસાવી ઃ પેથાપુર પોલીસમાં ગુનો દાખલ
ગાંધીનગર : કરાટે શીખવાડવાના બહાને સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને તેના જ કોચ દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરી આઠ માસની ગર્ભવતી બનાવી દીધી હોવાનો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે ત્યારે આ મામલે પેથાપુર પોલીસ દ્વારા પાલજના કોચ સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે મથામણ શરૃ કરવામાં આવી છે.
છેલ્લા થોડા સમયથી ગુરુ અને શિષ્યના સંબંધોને લજવતા કિસ્સાઓ
પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે આ વખતે ગાંધીનગરની શાળામાં પાર્ટ ટાઈમ કરાટે શીખવતા
કોચે અમદાવાદની સગીરાને કરાટે શીખવાડવાના બહાને પ્રેમના પાઠ ભણાવીને દુષ્કર્મ
આચર્યાની ઘટના બહાર આવી છે.
જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પાલજ ખાતે
રહેતો સંજય કિશનભાઇ વાઘેલા કરાટેનું કોચિંગ આપી રહ્યો છે અને તેણે થોડા સમય અગાઉ
અમદાવાદમાં રહેતી સગીરાને કરાટે શીખવતો હતો. આ દરમિયાન આ સગીરા સાથે પ્રેમના પાઠ
ભણાવવાનું શરૃ કર્યું હતું અને સગીરા જ્યારે શાળા તરફથી યોજાતી કરાટેની સ્પર્ધામાં
ભાગ લેવા જેથી તે દરમિયાન તેની સાથે જતો હતો. આ દરમિયાન આઠ મહિના અગાઉ ગાંધીનગરના
કોલવડા ખાતે કરાટેની કોમ્પિટિશન યોજાઇ હતી.
જેમાં આ સગીરા આવી હતી તે દરમિયાન સંજય વાઘેલા પણ તેની સાથે
આવ્યો હતો. આ કોમ્પિટિશન દરમિયાન તકનો લાભ લઈને સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું.
એટલું જ નહીં કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે આ
દુષ્કર્મને પગલે સગીરા ગર્ભવતી બની હતી અને જે ઘટનાની જાણ પરિવારજનોને થતા તેમના
માથે આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ હતી.
મેડિકલ તપાસ કરાવતા સગીરાને આઠ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે હાલ પેથાપુર પોલીસ મથકમાં સંજય વાઘેલા વાઘેલા સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે.