મુખ્યમંત્રીને આવકારવા લગાવેલા બેનરમાં કરમસદનું નામ ગાયબ
- આણંદ મહાનગરપાલિકા લખી કરમસદનો છેદ ઉડાડયો
- ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે બેનરમાં છબરડાંથી કરમસદના અસ્તિત્વ સામે ફરી સવાલો
આણંદ : આણંદ જિલ્લાના નાવલી ખાતે મુખ્યમંત્રીને આવકારવા માટે કમલમ્ ખાતે લગાવેલા બેનરમાં મહાપાલિકામાંથી કરમસદના નામનો છેદ ઉડાડી દેતા ફરી કરમસદના અસ્તિત્વ સામે સવાલો ઉભા થયા છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નાવલી ખાતે આવેલા એનસીસી એકેડેમીનું આજે લોકાર્પણ કરવા આવવાના હતા. ત્યારે મુખ્યમંત્રીને આવકારવા અગાઉથી જ સમગ્ર રસ્તા ઉપર મોટા બેનરો લગાવી દેવામાં આવ્યા હતા.
ત્યારે આણંદથી નાવલી જતા રોડ પર વળાંકમાં આવેલા ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે મૂકવામાં આવેલા આવકારના બેનરમાં મહાપાલિકા દ્વારા આણંદ મહાપાલિકા લખવા સાથે કરમસદનું નામ જ ગાયબ કરી દેવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ જ થોડા દિવસો અગાઉ જ આણંદ મહાનગરપાલિકાને બદલે કરમસદ આણંદ મહાનગરપાલિકા નામનો ઠરાવ કરી મંજૂરી આપી હતી. ત્યારે મુખ્યમંત્રીને આવકારવામાં આવતા બેનરોમાં કરમસદનું નામ ગાયબ થઈ જતા આશ્ચર્ય ફેલાયું છે.