અમેરિકામાં હવાલાના સોનાનાં પાર્સલ બાબતે કરમસદના વચેટિયાનું અપહરણ

- આશિ ગામે ફાર્મ હાઉસમાં યુવકને ગોંધી રાખ્યો
- સોનાના પાર્સલના રૂપિયા 93 લાખ અટવાતા રકમ કઢાવવા માટે 10 શખ્સોએ યુવકને લાવીને મારમાર્યો, ધમકી આપી
આણંદ પાસેના કરમસદ જોળ રોડ ઉપર આવેલા ખોડીયાર માતા મંદિર પાસે રહેતો મિહિર રામજીભાઈ રબારી પશુપાલનનો વ્યવસાય કરે છે પેટલાદના આસી ગામના નિર્મલ રબારી, જયેશ રબારીએ કરમસદના મિહિર રબારીને નીલ પટેલ પાસેથી અમેરિકા ખાતેથી પાર્સલ ઉપાડી લઈ તેના પેટે કમિશન આપવાની લાલચ આપી હતી. જયેશના કહ્યા મુજબ મૂળ આશી ગામના અને હાલ ન્યુજર્સી અમેરિકા ખાતે રહેતા અક્ષય પટેલ મારફતે તેણે પાર્સલ ઉપાડયું હતું પાર્સલ લીધા બાદ અક્ષય પટેલે ફોન સ્વીચ ઓફ કરી દેતા સોનાના પાર્સલના રૂપિયા ૯૩ લાખ અટવાઈ પડયા હતા જેને લઇ આ રકમ કઢાવવા માટે નીલ પટેલ, નિર્મલ રબારી, જયેશ રબારી, વિશાલ ભરવાડ, સુરેશ ભરવાડ, ભરત ભરવાડ, દેવાંગ ભરવાડ, ભગીરથ ભરવાડ, પ્રવીણ ભરવાડ, દિનેશ ભરવાડ, પ્રકાશ ભરવાડ અને અન્ય ૧૦ જેટલા સક્ષોએ ભેગા મળી મિહિર રબારીનું અપહરણ કર્યું હતું. બાદમાં મિહિરને નિર્મલ રબારીના આશિ ગામે આવેલ ફાર્મ હાઉસ ખાતે લઈ ગયા હતા અને ગાંધી રાખી માર્યો હતો.ત્યારબાદ ત્યાંથી કરમસદ ખાતે આવેલા કનુ બામ્બાના ફાર્મ હાઉસ ખાતે તેને ગાંધી રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હવાલાના નાણા કબૂલી લેવા માટે દબાણ કર્યું હતું બીજી તરફ ફાર્મ હાઉસની બહાર પોલીસની ગાડીઓની અવર-જવર વધતા તમામ શખ્સો એક બાદ એક પોતાની ગાડીઓમાં બેસી પલાયન થઈ ગયા હતા અને મિહિરને પણ એક ગાડીમાં બેસાડી દીધો હતો રસ્તામાં માતર પરીએજના વિપુલ રબારીએ મિહિરને ફોન કરી પાર્સલ મારું છે તેના રૂપિયા ૮૮ લાખ આપી દેજે તેમ કહી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન કરમસદ હોસ્પિટલ નજીક મિહિર કારમાંથી ઉતરી ગયો હતો અને ભાગી છુટયો હતો.આ બનાવ અંગે મિહિર રબારીએ પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ૧૩ નામજોગ તથા અન્ય ૧૦ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોની કોની સામે ફરિયાદ નોંધાઇ
૧. નિર્મલ કનુભાઈ રબારી રહે આશી, પેટલાદ, ૨. જયેશ મફતભાઈ રબારી રહે આશી, પેટલાદ, ૩. નીલ પટેલ મૂળ રહે બાયડ હાલ વિદ્યાનગર, ૪. સુરેશ ભરવાડ ધોબીઘાટ વિદ્યાનગર, ૫. વિશાલ ભરવાડ કરમસદ વિદ્યાનગર રોડ વિદ્યાનગર, ૬. કનુ બામ્બા કરમસદ હોસ્પિટલ નજીક , ૭. ભરત ભરવાડ કરમસદ હોસ્પિટલ નજીક, ૮. દેવાંગ રબારી આણંદ હાડગૂડ રોડ સંગ્રામપુરા, ૯. ભગીરથ ભરવાડ બોરીઆવી આણંદ, ૧૦. પ્રવીણ ભરવાડ મોટી ખોડીયાર આણંદ , ૧૧. વિપુલ રબારી પરીએજ માતર, ૧૨. પ્રકાશ ભરવાડ વડોદરા , ૧૩. દિનેશ ભરવાડ, તથા અન્ય ૧૦ જેટલા શકશો.
2024 માં હવાલ કૌભાંડ બાબતે ફરિયાદ નોંધાઇ હતી
આણંદ જિલ્લામાં કેટલાક શખ્સો દ્વારા મોટાપાયે હવાલા રેકેટ ચલાવવામાં આવી રહ્યું હોવાની શક્યતા જોવાઈ રહી છે ગત સપ્ટેમ્બર ૨૦૨૪ માં પણ આવા જ એક હવાલા કૌભાંડ બાબતે વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી .જેમાં અમેરિકામાં હવાલાના ડોલરો બાબતે બે શખ્સોનું અપહરણ કરી ઢોર માર મારતા બોરસદ તાલુકાના પામોલના જૈમીન ઉર્ફે પપ્પુ રબારી સહિત ના નવ શખ્સો વિરુદ્ધ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.









