કાન્હા હાઈટ્સની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો : કેરટેકરની ધરપકડ
આર્થિક તંગી સર્જાતા કેરટેકરે રૂ.1.39 લાખના સોના- ચાંદીના દાગીના ચોર્યા
પથારીવશ પતિની સારસંભાળ માટે પત્નીએ કેકટેકરની મદદ લીધી હતી
ડભોઇ રોડ પર આવેલ કાન્હા હાઈટ્સમાં કેરટેકર એકલતાનો લાભ ઉઠાવી મકાનમાં લાકડાના કબાટના લોક તોડી રૂ.1.39 લાખ ઉપરાંતની કિંમતના સોના- ચાંદીના દાગીના ચોરી ફરાર થઈ જતા કપૂરાઈ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો.
સોમા તળાવમાં ડભોઇ રોડ ખાતે આવેલ કાન્હા હાઈટ્સ 01માં રહેતા ગીતાબેન યોગેશભાઈ પંચાલના પતિ અકસ્માત બાદ યાદશક્તિ ગુમાવી દેતા હાલ પથારીવશ છે. જેથી તેઓએ પતિની સારસંભાળ માટે કેરટેકર તરીકે છેલ્લા નવ મહિનાથી સતિષભાઈ વાણંદને રાખ્યા હતા. ગીતાબેનનું ફરિયાદમાં કહેવું હતું કે, હું કામથી બહાર જઉં ત્યારે સતિષભાઈને ના પાડવા છતાં મકાનનો મુખ્ય દરવાજો અંદરથી લોક રાખતા હતા. જેથી સતિષભાઈ ઉપર શંકા જતા તપાસ કરતા ગઈ તા. 15 સપ્ટેમ્બરના રોજ બેડરૂમમાં લાકડાના કબાટનું લોક તૂટેલું હતું અને તેમાં મુકેલ સોના ચાંદીના ઘરેણા મળી આવ્યા ન હતા. જેમાં સોનાની ચેન, સોનાનું બ્રેસલેટ, સોનાની બુટ્ટી, સોનાનું પેન્ડલ અને ચાંદીના સિક્કાનો સમાવેશ થાય છે. જેથી ગીતાબેનએ સતીષ વાળંદ આ ઘરેણા ચોરી ગયો હોવાની શંકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સતિષભાઈ નાનાભાઈ વાળંદ (રહે- ખટંબા અર્બન રેસિડેન્સી, વાઘોડિયા રોડ) વિરુદ્ધ નોકર ચોરીની ધારા હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડી અલગ અલગ જગ્યાએ ગીરવે રાખેલ ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ આર્થિક તંગીના કારણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.