મહિલાની હત્યાનો પ્રયાસના બનાવ બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરી
કણભા પોલીસ પર બેદરકારીનો ગંભીર આરોપ
કુબલથલમાં રહેતા વ્યક્તિએ લગ્ન કરવાનું કહીને મહિલા સાથે છેતરપિંડી કરી ઃ યુવકે મંદિરમાં લગ્ન કરાવીને વાત ટાળવા પ્રયાસ કર્યાનો આક્ષેપ
અમદાવાદ,શનિવાર
અમદાવાદ જિલ્લાના કુબડથલમાં રહેતા એક વ્યક્તિએ એક મહિલા સાથે લગ્ન કરવાની ખાતરી આપીને શારિરીક સંબધ બાંધ્યા હતા. જે બાદ મહિલા પોલીસ કેસ ન કરે તે માટે યુવકના પરિવારજનોએ તેના ઘર મંદિરમા લગ્ન કરાવ્યા બાદ થોડા મહિના રાખીને બાદમાં તેને તરછોડીને તેના સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. આ ગંભીર ઘટના અંગે કણભા પોલીસથી માંડીને ઉચ્ચ પોલીસ અધિકારીઓને અનેક રજૂઆત બાદ પણ પોલીસે કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા સમગ્ર મામલે હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી છે.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે શહેરના હાથીજણ વિસ્તારમાં રહેતી એક યુવતીને વર્ષ ૨૦૦૦થી જીતેન્દ્ર પરમાર (રહે. કુબડથલ) સાથે પ્રેમ સંબધ હતો. પરંતુ, જીતેન્દ્ર અલગ જ્ઞાાતિનું કારણ આપીને લગ્ન કરવાનું ટાળતો હતો. બાદમાં તેના માતા-પિતા વિરોધ કરતા હોવાનું કહીને તેમના અવસાન બાદ લગ્ન કરશે તેમ કહ્યું હતું. જીતેન્દ્ર લગ્ન કરવાનું ટાળતો હોવાથી મહિલાએ આ અંગે કુબડથલ જઇને જીતેન્દ્રના માતા-પિતાના સમગ્ર મામલે જાણ કરી હતી. જેથી ગત સપ્ટેમ્બર ૨૦૨૪માં જીતેન્દ્રની માતાએ વાતને થોડા સમય સુધી ટાળવા માટે ઘરના મંદિરમાં જ મહિલા અને જીતેન્દ્રના લગ્ન કરાવીને સિંદુર પુરાવીને મંગળસુત્ર પહેરાવ્યું હતું. બાદમાં તેમને નજીકમાં આવેલા એક ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ, થોડા મહિના બાદ જીતેન્દ્રએ મહિલાને હાથીજણ સ્થિત મકાન પર થોડા દિવસ રહેવા મોકલ્યા બાદ લેવા માટે આવ્યો નહોતો. જેથી મહિલા એપ્રિલ ૨૦૨૫માં ફરીથી કુુબડથલમાં સાસરીમાં ન્યાય માટે પહોંચી ત્યારે જીતેન્દ્ર અને તેના પરિવારજનોએ તેને અપનાવવાની ના પાડી હતી. પરંતુ, મહિલાએ ન્યાય મળી રહે તે માટે અગાઉ રહેતી હતી તે મકાનના ફળીયામાં રહેવાનું નક્કી કર્યું હતું. પરંતુ, જીતેન્દ્ર અને તેના પરિવારજનો મહિલાને મારઝુડ કરીને કાઢી મુકવા પ્રયાસ કર્યો હતા. જ્યારે ગત સાત જુલાઇએ જીતેન્દ્ર અને તેના પરિવારના સભ્યોએ ઘરમાં આગ લગાવીને મહિલાને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેના બંને પગમાં આગના કારણે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આમ, હત્યાના પ્રયાસના ગંભીર ગુના અંગે કણભા પોલીસ હોવા છતાંય, કોઇ કાર્યવાહી ન કરીને મામલો દબાવવા માટે પ્રયાસ કર્યો હતો. એટલુ જ નહી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ આ બાબતે કોઇ કાર્યવાહી ન કરતા છેવટે આ મામલે મહિલાએ હવે કોર્ટનું શરણું લીધું છે. જેમાં જીતેન્દ્ર પરમાર , તેના ભાઇ વિજય, શૈલેષ , પિતા નરસિંહભાઇ અને માતા મીઠીબેન પરમાર ઉપરાંત, જવાબદાર પોલીસ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે રજુૂઆત કરવામાં આવી છે.