કારતકમાં 'કમોસમ'નું કમઠાણ: સૌરાષ્ટ્રમાં વધુ 3 ઈંચ માવઠું વરસ્યું: નદીઓમાં પૂર

અમરેલી જિલ્લાને સતત ચોથા દિવસે વરસાદે ધમરોળ્યો રાજુલા, ખાંભા, જાફરાબાદ પંથકમાં ગાજવીજ અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસી પડતાં જળબંબાકાર સર્જાયો
રાજકોટ, : છેલ્લા એક સપ્તાહથી ફરી મેઘાવી માહોલ છવાઈ ગયો છે અને કારતક મહિનામાં 'કમોસમી વરસાદ'નું કમઠાણ સર્જાયું છે. મગફળી, કપાસ, સોયાબીન સહિતના ખેતીપાકનો સોંથ વાળ્યા બાદ આજે શુક્રવારે પણ વધુ ત્રણ ઈંચ સુધી માવઠું વરસ્યું હતું અને નદીઓમાં પૂર આવ્યા હતા. આજે ખાસ કરીને અમરેલી જિલ્લાને સતત ચોથા દિવસે વરસાદે ધમરોળ્યો હતો અને રાજુલા, ખાંભા, જાફરાબાદ પંથકમાં ગાજવીજ અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસી પડતા જળબંબાકાર સર્જાયો હતો.
અમરેલી જિલ્લામાં આજે પણ કમોસમી વરસાદનું જોર યથાવત રહ્યું હતું. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં એક જ દિવસમાં ૩ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબક્યો હતો. રાજુલા સહિત ગ્રામ્ય વિસ્તારો જેવા કે વડ, સતડીયા, ભેરાઈ, રામપરા અને હિંડોરણામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડયો હતો. ખાંભા અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચોથા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. નાના બારમણ, મોટા બારમણ, ડેડાણ, ત્રાકુડા અને ભુડણી સહિતના ગામોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નાના બારમણ ગામની શેરીઓમાં વરસાદી પાણીના પ્રવાહ વહેતા થયા હતા. ખાંભાની ઘાતરવડી નદી અને ડેડાણ ગામની અશોકા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જાફરાબાદ પંથકમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જાફરાબાદના લોર સહિતના ગામોમાં ઘોઘમાર વરસાદથી લોરની તરીયો નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ટીંબી ગામની રૂપેણ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે.

